Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગુપ્ત માહિતીને આધારે વિડીયો શુટીંગ કરતાં ડેલામાંથી આવેલા ત્રણ શખ્સોએ હુમલો કર્યોઃ કારમાં તોડફોડ

સોશિયલ ન્યુઝના કેમેરામેન હિરેન ગોંડલીયા અને તેના મિત્ર કિશન મકવાણાની ધોલધપાટઃ મવડી પ્લોટના મારૂતિનગરમાં સાંજે બનાવઃ પોલીસે જયપાલ સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૧: મવડી પ્લોટના મારૂતિનગરમાં સોશિયલ રિપોર્ટના કેમેરામેન યુવાન સહિત બે જણા કાર લઇ એક ડેલાનું વિડીયો શુટીંગ કરવા જતાં ડેલામાંથી આવેલા ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારતાં કેમેરામેન અને તેનો મિત્ર હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે તેની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે રૈયા રોડ રામેશ્વર પાર્ક-૨ શેરી નં. ૫માં રહેતાં અને સોશિયલ રિપોર્ટ ન્યુઝમાં કેમેરામેન તરીકે નોકરી કરતાં હિરેન સુનિલભાઇ ગોંડલીયા (વાળંદ) (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી મવડી પ્લોટ મારૂતિનગર શકિતમાતાના મંદિર પાસે રહેતાં જયપાલ નામના શખ્સ તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૪૨૭, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

હિરેને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારો મિત્ર કિશન મકવાણા અમારા તંત્રીની ફોરવ્હીલ સ્વીફટ કાર જીજે૦૩ડીએન-૫૨૯૨ લઇને મારૂતિનગરમાં એક ડેલો આવેલ છે તેનું વિડીયો શુટીંગ ગુપ્ત માહિતીને આધારે કરવા ગયા હતાં. સાંજે સાડા આઠેક વાગ્યે શુટીંગ પુરૂ કરી નીકળવાની તૈયારી કરતાં હતાં ત્યાં ડેલામાંથી એક શખ્સ આવ્યો હતો અને કંઇપણ બોલ્યા વગર મને અને સાથેના કિશનને ઢીકાપાટુનો માર મારવા માંડ્યો હતો. તેણે કહેલું કે-મારું નામ જયપાલ છે, તું મને ઓળખતો નથી.

દેકારો થતાં ડેલામાંથી બીજા બે શખ્સો આવ્યા હતાં અને તેણે પણ મને અને કિશનને માર માર્યો હતો. એ દરમિયાન જયપાલે લોખંડનો પાઇપ ઉપાડી અમારા બંને પર ઘા કરતાં મને જમણા હાથમાં ઇજા થઇ હતી અને મિત્ર કિશનને પીઠના ભાગે ઇજા થઇ હતી. પાઇપથી જયપાલે અમારી કારના કાચ તોડી નાંખી નુકસાન પણ કર્યુ હતું. ઝપાઝપીમાં મારો અને કિશનનો મોબાઇલ ફોન પણ ત્યાં ખોવાઇ ગયો હતો.

બનાવ અંગે પીએસઆઇ બી. બી. રાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  તસ્વીરમાં જેના કાચ ફોડી નખાયા તે કાર અને કેમેરામેનને હાથમાં ઇજા પહોંચી તે જોઇ શકાય છે. 

(3:15 pm IST)