Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઇફકો હવે લાવશે પ્રવાહી રાસાયણિક (DAP) ખાતર : દિલીપ સંઘાણી

નેનો યુરિયા બાદ કૃષિ ક્ષેત્રે બીજા ક્રાંતિકારી પ્રયોગ : ઇફકોના ચેરમેન અકિલાની મુલાકાતે : બેગમાં આવતા ખાતર કરતા પ્રવાહી ખાતર ઘણા સસ્તા અને અસરકારક : દેશમાં ૫ નવા ખાતર પ્લાન્ટ સ્થપાશે

ઇફકોના વડા અને દેશના ટોચના સહકારી અગ્રણી શ્રી દિલીપ સંઘાણી ગઇકાલે અકિલાની મુલાકાતે આવેલા. અકિલાના પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સહકારી સહિત વિવિધ વિષયોની વિગતવાર ચર્ચા કરેલ. આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરી, આયુર્વેદ ક્ષેત્રના તજજ્ઞ દિપભાઇ શુકલ, શ્રી સંઘાણીના સાથીદારો સર્વશ્રી ભરત દોશી, કાંતિલાલ સોરઠિયા, કાર્તિક દોશી, પ્રફુલ ગેડીયા, દર્શન કે. સોરઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અકિલા પરિવાર વતી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને ડો. અનિલ દશાણીએ શ્રી દિલીપ સંઘાણી સહિતના મહેમાનોને આવકાર્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ૩૧ : વિશ્વની ખાતર બનાવતી સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન ફાર્મસ ફર્ટીલાઇઝર કો-ઓપરેટીવ લિમીટેડ (ઇફકો)ના વડા તથા નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન (નાફેડ)ના વાઇસ ચેરમેન તથા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપ સંઘાણીએ નેનો યુરિયા બાદ હવે ટુંક સમયમાં નેનો ડીએપી ખાતર પ્રવાહી સ્વરૂપે આવી રહ્યાનો નિર્દેશ કર્યો છે. સંશોધનને આખરી ઓપ આપ્યા બાદ કેન્દ્ર સરકારની મંજૂરી માટે મુકાશે.

ઇફકોના કાર્યકારી ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ ગઇકાલે અકિલાની મુલાકાત પ્રસંગે જણાવેલ કે, આ સંસ્થા દ્વારા અગાઉ નેનો યુરિયા (પ્રવાહી ખાતર) બજારમાં મુકેલ જેને ખેડૂતોએ ખૂબ સારો આવકાર આપ્યો છે. અત્યાર સુધીમાં ૧.૮૦ કરોડ બોટલનું વેચાણ ગઇ છે. એક બોટલની કિંમત માત્ર રૂા. ૨૪૦ છે. યુરિયા ખાતર પાક વૃધ્ધિ માટે ઉપયોગી છે જ્યારે ડીએપી (ડાય એમોનિયમ ફોસ્ફરસ) વાવેતરના પ્રારંભિક તબક્કે ઉપયોગી થાય છે. હાલમાં બેગમાં આવતા ખાતર કરતા પ્રવાહી સ્વરૂપનું ખાતર ખેડૂતોને ખૂબ સસ્તુ પડે છે. પ્રયોગ અને વપરાશના આધારે જણાયું છે કે, અસરકારક પણ ખૂબ છે. ડીએપી ખાતરની સંશોધન કામગીરી હાલ કલોલ ખાતે થઇ રહી છે. નજીકના ભવિષ્યમાં દેશમાં ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા સહિત અલગ અલગ રાજ્યમાં પાંચ સ્થળોએ તેના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની ગણતરી છે.

શ્રી સંઘાણીએ જણાવેલ કે, નવુ રસાયણિક પ્રવાહી ખાતર નેનો યુરિયાની જેમ ૫૦૦ એમ.એલ.ની બોટલમાં વહેંચવામાં આવશે. જેની કિંમત બગની સરખામણીએ અડધાથી પણ ઓછી (રૂા. ૫૦૦ થી ૭૦૦) રહેશે. એક બેગ જેટલું કામ આપે તેટલું કામ એક બોટલ કામ આપે છે.  ખેડૂતો માટે નવું સંશોધન આશિર્વાદરૂપ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ તરફના આગેકદમ માંડનારૂ બની રહેશે. ખેડૂતોને આર્થિક ફાયદો થવાની સાથે સરકારને સબસિડીના કરોડો રૂપિયા બચશે. એક બોટલ ખાતર એક એકરમાં કામ આપશે. વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નેનો ડીએપીની વિગતવાર જાહેરાત કરવામાં આવશે.

(11:37 am IST)