Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કાલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં INS-વાલસૂરાના ૨૦ જવાનો બેન્ડ પ્લે કરશે

કલેકટર-કોર્પોરેશન-પંચાયતના કરોડોના ઢગલાબંધ લોકાર્પણ-ખાતમુહુર્તોઃ ભૂપેન્દ્રભાઈ પોર્ટેબલ હોસ્પીટલ-લાઈટ હાઉસની વિઝીટ કરશે : ગુડ-ગવર્નન્સ ઉજવણીનો છેલ્લો દિ': સ્ટેજ કાર્યક્રમ અંગે ૬ ડે. કલેકટરો-સ્ટાફની ફોજ ઉતારતા કલેકટર : સરકીટ હાઉસમાં ભોજન બાદ બપોરે ૩ વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના થશે : બપોરે ૧ વાગ્યાથી સીએમ સાથે કલેકટરની ખાસ વીસી.. પત્રકારોને વિગતો આપતા અરૂણ મહેશબાબુ

રાજકોટ, તા. ૩૦ :. રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલ ગુડ ગવર્નન્સની ઉજવણીનો કાલે છેલ્લો દિવસ છે અને રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કાલે રાજકોટમાં થશે.

આ અંગે પત્રકારોને વિગતો આપતા કલેકટરશ્રી અરૂણ મહેશબાબુએ ઉમેર્યુ હતું કે કાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એરપોર્ટ પર સવારે ૧૦.૩૦ વાગ્યે આવી પહોંચશે. તેમની સાથે પાંચ પ્રધાનો સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, હર્ષ સંઘવી, અર્જુનસિંહ ચૌહાણ, બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી પણ આવી રહ્યા છે. આ ઉપરાંત સચિવો તથા અન્ય અધિકારીઓ પણ આવશે. તમામનું જીલ્લા વહીવટી તંત્ર એરપોર્ટ પર સ્વાગત કરશે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે આ પછી મુખ્યમંત્રીનો સવારે ૧૦.૩૦થી ૧૧.૩૦ એરપોર્ટથી ડીએચ સુધી ખાસ રોડ શો યોજાશે. ત્યારબાદ વિશ્વ વિખ્યાત 'હાઉસ ધ જોશ' નામવાળુ સ્પે. બેન્ડ પ્લે આઈએનએસ-વાલસુરાના ૨૦ જવાનોે ખાસ સુમધુર સંગીત સાથે રજૂ કરશે. ૫ થી ૧૦ મીનીટનું રાષ્ટ્રને લગતુ ખાસ બ્યુગલ પણ વગાડશે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે ત્યાર બાદ પંચાયત, ગ્રામ વિકાસની કામોની ફિલ્મોનું પ્રદર્શન થશે. જ્યારે લોકાર્પણ-ખાતમુહુર્તમાં મેરી ટાઈમ બોર્ડના પ્રોજેકટનું લોન્ચીંગ, ઈ ગ્રામ, વિશ્વ ગ્રામ અંગેના એમઓયુ, ગ્રામ વિકાસ અંગે ભારત બ્રોડ બેન્કના પ્રોજેકટનું લોન્ચીંગ, મહાનગરપાલિકાના ૮૦ થી ૮૨ કરોડના લોકાર્પણ, મોટાવડાથી ખીરસરા રોડ અને કણકોટથી રામનગર રોડના ૪ કરોડ ૩૦ લાખના ખર્ચે બનાવાયેલા બે પૂલનું લોકાર્પણ, મનરેગા-કન્ઝર્વેશન સ્પોટલનું ઈ-લોકાર્પણ, પીડીયુ વન સ્ટોપ સખી સેન્ટરનું ઈ-ભૂમી પૂજન, ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં કલેકટર તંત્ર અને ઈન્ડો-અમેરીકન સંસ્થાના ઉપક્રમે બનેલી રાજ્યની પ્રથમ પોર્ટેબલ હોસ્પીટલનું ઈ-લોકાર્પણ થશે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે આ કાર્યક્રમ ૧.૧૫ આસપાસ પુરો થયા બાદ મુખ્યમંત્રી ચૌધરી હાઈસ્કૂલના મેદાનની પોર્ટેબલ હોસ્પીટલનું રૂબરૂ નિરીક્ષણ કરશે તથા મોટામવાના લાઈટ હાઉસ પ્રોજેકટની ખાસ વીઝીટ કરશે.

કલેકટરે નિર્દેશ આપેલ કે મોટેભાગે તેઓ સરકીટ હાઉસ ખાતે ભોજન લેશે અને બપોરે ૩ વાગ્યે ગાંધીનગર પરત જવા રવાના થાય તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે કાલના જબરા કાર્યક્રમ અંગે કલેકટરે રેવન્યુ, પંચાયત તંત્રનો મોટાભાગનો સ્ટાફ કામે લગાડયો છે. તે ઉપરાંત રાજકોટના ત્રણેય ડે. કલેકટરો, પંચાયતના ત્રણેય ડેપ્યુટી ડીઈઓને ખાસ જવાબદારી સોંપી છે.

(3:22 pm IST)