Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

પાણી આંખમાં 'પાણી'લાવી દેશેઃ સૌરાષ્ટ્રના ડેમોમાં માત્ર રર.૭% પાણી રહ્યુ

આજની આંકડાકીય સ્થિતિ જોતા સરકારની ચિંતા વધીઃ નર્મદા પર વધ્યો આધારઃ ઉનાળો પાર કરાવવો કપરો

રાજકોટ, તા., ૩૧: ગયા ચોમાસામાં  મેઘરાજાની અપુરતી મહેરના કારણે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં અછતે જડબુ ફાડયું છે. સૌરાષ્ટ્રમાં સ્થિતિ વધુ કફોડી બને તેવા એંધાણ છે. ગઇકાલની સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમોમાં માત્ર રર.૭ ટકા જ પાણી રહયું છે. ઉનાળો હેમખેમ પાર કરાવવામાં સરકારની આકરી કસોટી થઇ જશે.

દર વર્ષે શિયાળામાં સામાન્ય રીતે સૌરાષ્ટ્રના ડેમોમાં પ૦ ટકા જેટલું પાણી હોય છે. તેની સરખામણીએ આ વખતે આજની સ્થિતિએ માત્ર રર.૭ ટકા પાણી જ રહયું છે. હજુ વપરાશ અને બાષ્પીભવનના કારણે આ સપાટીમાં પણ ઘટાડો થશે.

સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમોમાં જરૂરીયાત કરતા ઘણું ઓછુ પાણી છે. ભાદર જેવા મોટા ડેમમાં અત્યારથી જ ૧૯ ટકા પાણી રહયું છે. ખેતી અને પીવાના પાણી માટે મોટી સમસ્યા સર્જાયેલ છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે નર્મદા પરનું ભારણ વધશે. નર્મદાની સપાટી પણ ઝડપભેર ઘટી રહી છે. સરકાર સૌની યોજના અંતર્ગત ડેમોમાં પાણી ભરવા માંગે છે પરંતુ તેનાથી કેટલાક વિસ્તારોમાં રાહત થશે. પાણીની સમસ્યા ઉકેલી શકાશે નહી. ઉનાળામાં પીવાના પાણીનો બોકાસો બોલી જશે. અનેક ગામો અને શહેરોમાં પાણીકાપ આવે તેવા સ્પષ્ટ એંધાણ છે. ઘણા વર્ષો પછી સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની શરૂઆત અત્યારથી જ થઇ ગઇ છે. (૪.૧૪)

(3:37 pm IST)