Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રૂ. નવ લાખનો ચેક પાછો ફરતા ભંગારના ધંધાર્થી સામે કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટના રહીશ અને અંબાજી કડવા મેઈન રોડ ઉપર રહેતા અને ભંગારનું કામકાજ કરતા ગોપાલ છોટાલાલ ગતીયા વિરૂદ્ધ રાજકોટના મનહર પ્લોટ વિસ્તારમાં રહેતા અને અમરનાથ લીઝીંગ એન્ડ ફાઈનાન્સના નામથી નાણા ધીરનારનો ધંધો કરતા નારણભાઈ લક્ષ્મણભાઈ જરીયા તથા તેમના ભત્રીજા કૃણાલ જરીયા, કેવલ જરીયા દ્વારા કુલ રૂ. ૯ લાખના ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરવામાં આવતા રાજકોટના એડી. ચીફ જ્યુડી. મેજી. શ્રી આર.એસ. રાજપુતે આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરેલ છે.

ફરીયાદની ટૂંક હકીકત એવી છે કે, રાજકોટના મનહરપ્લોટ વિસ્તાર પાસે રહેતા નારણભાઈ લક્ષ્મણભાઈ જરીયા કે જેઓ અમરનાથ લીઝીંગ એન્ડ ફાઈનાન્સના નામથી ફાઈનાન્સનો ધંધો કરતા તથા તેમના ભત્રીજા કૃણાલ જરીયા અને કેવલ જરીયા એ મિત્રતાની રૂએ રાજકોટના અંબાજી કડવા મેઈન રોડ વિસ્તારમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા ગોપાલભાઈ છોટાલાલ ગતીયાએ ફરીયાદીઓ પાસેથી રૂ. ૯ લાખ હાથ ઉછીના મેળવેલ હતા જે રકમની ચુકવણી પેટે ગોપાલભાઈ એ ફરીયાદીને ત્રણ ચેકો આપેલ હતા જે ચેકો પરત ફરતા ફરીયાદીએ તેમના એડવોકેટ સંજય એચ. પંડિત મારફત લીગલ નોટીસ મોકલાવેલ પરંતુ આરોપી ગોપાલભાઈએ કોઈ રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદીઓએ ગોપાલભાઈ વિરૂદ્ધ કોર્ટ ચેક રીટર્ન અંગેની ફરીયાદ દાખલ કરેલ છે જે અનુસંધાને કોર્ટે આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ ઈશ્યુ કરેલ છે.

આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત રોકાયેલ છે.(૨-૧૩)

(3:53 pm IST)