Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ભારે વરસાદથી રાજકોટ-સોૈરાષ્ટ્રમાં STને જબરૂ નુકશાન ચાર દિ'માં ૧૪૦૦ થી વધુ ટ્રીપો બંધઃ આવકમાં મોટા ગાબડા

જૂનાગઢ-અમરેલી-જામનગર-મોરબી-ભાવનગર જિલ્લામાં બસો ખાલીખમ્મ દોડે છે ! લોકો ફરકતા નથી : રાજકોટ જિલ્લામાં આજે ૮૪ ટ્રીપો બંધઃ ૩૦૦ થી વધુ ગામોમાં બસો જઇ શકી નથીઃ ૩ કરોડથી વધુનું નુકશાન

રાજકોટ તા.૧૮: મેઘરાજાએ છેલ્લા ૯૬ કલાકથી રાજકોટ ઉપરાંત સોૈરાષ્ટ્રના અન્ય પાંચ જિલ્લામાં તોફાની વરસાદ વરસાવતા રાજકોટ એસટી ડિવીઝન સહિત સોૈરાષ્ટ્રભરમાં એસટીને ૩ કરોડથી વધુનું નુકશાન થયાનો પ્રાથમિક અંદાજ નીકળી રહયો છે, દરેક ડિવીઝનની રોજની આવકમાં મોટા ગાબડા પડયા છે, એકલા રાજકોટ એસટી ડિવીઝનને જ ટ્રીપો રદ થવાથી અને મુસાફરોની પાંખી હાજરી હોય, માત્ર ૪૦ ટકા ટ્રાફીક હોય છેલ્લા ૪ દિવસમાં ૬૦ થી ૭૦ લાખનું નુકશાન ગયાનું બહાર આવ્યું છે.

હાલ દરેક ડિવીઝનમાં એટલે કે જૂનાગઢ-અમરેલી-જામનગર- મોરબી- ભાવનગર જિલ્લામાં માત્ર ૪૦ ટકા ટ્રાફીક હોવાનું અને મુસાફરો ફરકતા ન હોય, બસો ૬૦ ટકા ખાલી દોડી રહયાનું નોંધાયું છે.

મળતી વિગતો મુજબ છેલ્લા ૪ દિ'માં ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલી ટ્રીપો સોૈરાષ્ટ્રભરમાં રદ્દ થઇ છે, ભારે વરસાદને કારણે રસ્તામાં ઠેરઠેર ગાબડા-કોઝવે-પુલનું ધોવાણ, નદીઓમાં ઘોડાપુરને કારણે હજારો ગામડા હાલ એસટી વિહોંણા-બસ વિહોંણા થઇ ગયાં છે.

સંખ્યાબંધ ગામડાઓમાં અંધારપટ છે, સંપર્ક તુટી ગયેલા છે, એમાં બસો પણ જઇ શકતી નથી. અધુરામાં પુરૂ છેલ્લા ર દિવસમાં તો એસટીને ભારે નુકશાન થયું છે.

આજે પણ રાજકોટ એસટી ડિવીઝન હેઠળના ચોટીલા-લીંબડી-સુરેન્દ્રનગર-મોરબી-જસદણ-ગોંડલ-વાંકાનેર-ધ્રાંગધ્રાની કુલ ૮૪ ટ્રીપો રદ્દ કરી દેવાઇ છે, કુલ ૨૮૯ થી વધુ ગામોમાં રાજકોટ એસટી કે અન્ય ડિવીઝન-ડેપોની બસો જઇ શકી નથી, એસટીને ૩ કરોડનું નુકશાન સાથે લોકોને પણ ભારે અગવડતા પડી રહી છે. (૧.૨૩)

(3:48 pm IST)