Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાજકોટને સૌની યોજના ફળી

કોર્પોરેશનને નર્મદાનું પાણી સસ્તુ મળ્યુ : ગયા વર્ષ કરતા આ વર્ષ ૨૨ કરોડ ઓછું બીલ

ગત વર્ષે ૨૦૧૬-૧૭માં નર્મદા નીરમાં ૫૩.૪૯ કરોડનો ખર્ચ થયો હતો : આ વર્ષે ૨૧.૯૫ કરોડનું બિલ : બંછાનિધી પાની

રાજકોટ તા. ૧૮ : છેલ્લા બે વર્ષમાં રાજકોટના નગરનોને પીવાના પાણી પુરૂ પાડવાની વિરાટ જવાબદારીમાં રાજકોટ મહાનગરપાલિકાને 'સૌની યોજના'એ નિર્ણાયક ભૂમિકા ભજવી છે એટલું જ નહી પરંતુ મહાનગરપાલિકાને આર્થિકરીતે પણ ખુબ જ ફાયદાકારક પૂરવાર થયેલ છે. વર્ષ  : ૨૦૧૭-૧૮ વોટર બિલમાં આશરે રૂ. ૨૫ કરોડ જેવી માતબર બચત થઇ શકી છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ વિશે વધુ માહિતી આપતા કમિશનરશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, વર્ષ : ૨૦૧૬-૧૭ની વાત કરીએ તો, રૂ. ૩૧.૩૭ કરોડના ખર્ચે એનસી-૧૨ માંથી ૫૨૨૮૪.૧૪ એમ.એલ.ડી. નર્મદાનું પાણી મેળવવામાં આવ્યું હતું. જયારે રૂ. ૨૨.૧૨ કરોડના ખર્ચે એનસી-૨૦ માંથી ૩૬૮૭૪ એમ.એલ.ડી. નર્મદા જળ રાશી પ્રાપ્ત કરવામાં આવેલ. આમ આ બે વર્ષમાં કુલ રૂ. ૫૩.૪૯ કરોડનો ખર્ચ મહાનગરપાલિકાએ કર્યો હતો.  જોકે રાજય સરકારશ્રીના 'સૌની યોજના' પ્રોજેકટ હેઠળ પાઈપલાઈન મારફત નર્મદાના નીરથી બબ્બે વખત આજી-૧ જળાશય ભરી દેવામાં આવતા મહાનગરપાલિકાને પાણી મુદ્દે ઘણી રાહત થઇ ગઈ હતી.

આગલા વર્ષની સરખામણીમાં વર્ષ ૅં ૨૦૧૭-૧૮માં એનસી-૧૨ માંથી વોટર વિથડ્રોઅલ ઘટાડી ૨૯૮૨૦.૩૬ એમ.એલ.ડી. નર્મદાનું પાણી મેળવવામાં આવેલ અને તે માટેનું બિલ ઘટીને રૂ. ૧૭.૮૯ કરોડ થયેલ છે. જયારે એનસી-૨૦ માંથી વોટર વિથડ્રોઅલ ઘટાડી ૨૨૭૪૫.૦૦ એમ.એલ.ડી. નર્મદાનું પાણી મેળવવામાં આવેલ અને તે માટેનું બિલ પણ ઘટીને રૂ. ૧૩.૬૫ કરોડ થયેલ છે. મતલબ કે, રાજકોટ મહાનગરપાલિકાને એન્સે-૧૨ માં રૂ. ૧૩.૪૮ કરોડ તથા એનસી-૨૦ માં રૂ. ૮.૪૭ કરોડની એમ કુલ રૂ. ૨૧.૯૫ કરોડ જેવી ધીંગી રકમ બચી શકી છે.

(3:41 pm IST)