Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વોર્ડ નં. ૧૫માં સફાઇની કામગીરીમાં બેદરકારી બદલ એજન્સીને પાણીચુ પકડાવતા પાની

મિતલ મિત્ર મંડળની કામગીરીમાં બેજવાબદારી, સતત ફરિયાદો આવતા વર્કઓર્ડર કેન્સલ કરતા મ્યુનિ. કમિશ્નર

રાજકોટ તા. ૧૮ : શહેરમાં સફાઈ અને સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુથી મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જાહેરમાં કચરો ફેંકવો, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો વિગેરે બાબતો પર પ્રતિબંધ ફરમાવેલ છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. એકત્રિત થયેલ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે જેનાથી પર્યાવરણમાં પ્રદુષણ ન થાય, તેમજ શહેરી ધન કચરાનો પણ સુયોગ્ય નિકાલ કરે છે. જોકે આ વ્યવસ્થા સુનિયોજિત રીતે જળવાઈ રહે તે માટે સૌના સહિયારા પ્રયાસ જરૂરી છે. મહાનગરપાલિકા જુદાજુદા મિત્રમંડળોને સફાઈ કામની જવાબદારી સુપરત કરતી હોય છે, અને તેમની પાસે શિસ્તબધ્ધ કામગીરીની અપેક્ષા પણ હોય છે, આ જવાબદારીમાં બેદરકારી દાખવનાર વોર્ડ. ૧૫ના મિતલ મિત્રમંડળનો વર્કઓર્ડર કેન્સલ કરેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

વધુમાં જણાવ્યું હતું કે, શહેરના તમામ વોર્ડમાં અલગ અલગ સંસ્થા દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. તે મુજબ મિતલ મિત્રમંડળ નામની સંસ્થાને વોર્ડ નં. ૧૫ માં સફાઈ કરવી, જાહેરમાં પડેલા કચરાનો નિકાલ કરવો, રોડ-રસ્તાની સફાઈ વિગેરે કામો માટે વર્કઓર્ડર આપવામાં આવેલ હતો. આ વર્કઓર્ડર તારીખ ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર સુધીની કામગીરીનો આપવામાં આવેલ હતો. આ કામગીરી માટે આઠ સભ્યો અને એક લીડરે કામગીરી કરવાની હોય છે. પરંતુ મિતલ મિત્રમંડળની કામગીરીમાં બેદરકારી અને બેજવાબદારી બદલ સતત ફરિયાદો  આવતી હતી, મિત્રમંડળના સભ્યો અને લીડર અનિયમિત રહેતા હતા, તે બાબતે વોર્ડના એસ.એસ.આઈ. દ્વારા વારંવાર સુચના આપવામાં આવતી હતી પરંતુ મિતલ મિત્રમંડળ દ્વારા સૂચનાનું પાલન કરવામાં આવતું ન હતું, તેમજ છેલ્લા કેટલાય સમયથી તેમને સોંપવામાં આવેલ કામગીરી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતી હતી. સફાઈની કામગીરી ખુબ જ અગત્યની અને આરોગ્યલક્ષી હોય છે અને આવી જ બાબતમાં બેદરકારી અને બેજવાબદારી કરતા મિતલ મિત્રમંડળને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા તારીખ ૧૫-૦૭-૨૦૧૮ થી કામગીરી બંધ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

વધુમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ કે, સ્વચ્છતાની બાબતે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત મિશન ચલાવી રહી છે, તો સફાઈ બાબતે કોઈ જ બેદરકારી અને બેજવાબદારી ચલાવી લેવામાં નથી આવે. જાહેરમાં કચરો ફેંકવો અને જાહેરમાં ન્યુસન્સ કરવા બાબતે જાહેર જનતા પાસેથી પણ દંડ વસુલવામાં આવેલ છે.

(3:40 pm IST)