Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રામનગરના દિપ પટેલે ૨૨ લાખ સામે ૨૭ લાખ ચુકવ્યા છતાં છ શખ્સોની વ્યાજ માટે ધમકી

મીનરલ વોટર પ્લાન્ટના સંચાલકે ધંધા માટે ૨૦૧૪માં નાણા લીધા હતાં : કુલદીપસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, મનદિપસિંહ સરવૈયા, વિનુ અગ્રાવત, મહિપાલસિંહ ચુડાસમા અને દિનેશ ખાટરીયા સામે ભકિતનગર ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૮: વ્યાજખોરીના વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે. પી. ડી. માલવીયા કોલેજ પાછળ રહેતાં અને રણુજાનગર પાસે પી.એમ. બેવરેજીસ નામે મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવતાં લેઉવા પટેલ દિપ ધીરૂભાઇ ભુત (ઉ.૨૪) નામના યુવાને ધંધા માટે એક શખ્સ પાસેથી વ્યાજે લીધેલા ૨૨ લાખ સામે ૨૭ લાખ અને અન્યો પાસેથી લીધેલા ૧૫ હજાર સામે સવા લાખ ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી આપી વ્યાજની બળજબરીથી ઉઘરાણી કરવામાં આવતી હોઇ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ભકિતનગર પોલીસે દિપ ભુતની ફરિયાદ પરથી સદ્દગુરૂ સોસાયટીમાં રહેતાં કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા, ગોકુલધામના પૃથ્વીસિંહ જાડેજા અને  મનદિપસિંહ સરવૈયા તથા સુખરામ સોસાયટીના વિનુ અગ્રાવત, મહિપાલસિંહ ચુડાસમા તથા દિનેશ ખાટરીયા સામે આઇપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪,  મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

દિપએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે  રણુજાનગરમાં મીનરલ વોટરનું કારખાનુ છે. ૨૦૧૪માં મારો પરિચય કુલદીપસિંહ સાથે થયો હ તો. તેની ઓફિસ ડેસ્ટીનેશન કોમ્લપેક્ષમાં છે. મેં તેની પાસેથી એક મકાન ખરીદ કર્યુ હતું. જે દિનેશ રૂપારેલીયાનું હતું. તે વખતે બેંક લોન તથા બચતના રૂપિયા ૨૮ લાખ કુલદીપસિંહને ચુકવી આપ્યા હતાં. તેણે વેંચાણ દસ્તાવેજ પણ મારા તથા મારા ભાઇના નામે કરી આપ્યો હતો. ધંધામાં પૈસાની જરૂર પડતાં મેં એ વર્ષે જ ૨૨ લાખ ૪ ટકાના વ્યાજેથી કુલદીપસિંહ પાસેથી લીધા હમતાં. ત્યારે તેણે રામનગર-૨ના મારા મકાનનો સાટાખત કરાવી લીધો હતો. એ પછી મેં ૧૨ લાખ ચુકવી દીધા હતાં અને ૧૫ લાખ આજ સુધી વ્યાજ પેટે ચુકવ્યા છે. આમ કુલ ૨૭ લાખ આપી દીધા છે. આમ છતાં કુલદીપસિંહ, તેનો ભાઇ પૃથ્વીસિંહ, મહિલપાલસિંહ સહિતનાએ તેની અમીન માર્ગ પરની ઓફિસે મને બોલાવીને બળજબરીથી મારી પાસેથી બેંકના ચેકો લખાવી લીધા હતાં. એ પછી કુલદીપસિંહ અને મનદિપસિંહે વ્યાજની ઉઘરાણી ચાલુ જ રાખી હતી અને મારી નાંખવાની ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. પૃથ્વીસિંહે પણ આ પૈસાની ઉઘરાણી ફોન પર કરી ધમકી આપી હતી.

એ પછી દિનેશ ખાટરીયા પાસેથી મેં ૮ ટકે ૧૫ હજાર લીધા હતાં. તેની સામે છ માસ સુધી ૧૨૦૦ લેખે વ્યાજ ભર્યુ છે. પણ હવે તે ૧,૨૫,૦૦૦ની ઉઘરાણી કરી ધમકાવે છે. મનદિપસિંહને ચેક આપ્યો ન હોવા છતાં મારો ચેક બેંકમાં ભરી નેગોશિએબલનો કેસ કરાવ્યો છે. દિનેશ મારી પાસેથી મારું એકસેસ વાહન પણ પડાવી ગયો છે. તમામની ધમકીઓથી કંટાળીને અંતે ફરિયાદ કરી છે.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. એન. વાજાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:28 pm IST)