Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સહકારનગરના આહિર કિશોર રાઠોડે પૈસાની ઉઘરાણી માટે ધમકી મળતાં આપઘાત કર્યો'તો

મૃતકના પત્નિ પૂનમબેનની ફરિયાદ પરથી ભોગીલાલ અને તેના દિકરા પ્રતિક સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૮: સહકાર સોસાયટી-૮માં 'નંદ કિશોર' ખાતે રહેતાં કિશોરભાઇ નારણભાઇ રાઠોડ (ઉ.૩૭) નામના આહિર યુવાને ગત ૧૨મીએ ભાવનગર રોડ પર મહિકા પાસે આવેલા પોતાના કાકા લાભુભાઇ રાઠોડના ફાર્મ હાઉસ ખાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે તે વખતે કારણ બહાર આવ્યું નહોતું. હવે એવી વિગતો ખુલી છે કે કિશોરભાઇને ભોગીલાલ નામનો શખ્સ અને તેનો દિકરો પ્રતિક પૈસાની ઉઘરાણી બાબતે વારંવાર ધાકધમકી આપતાં હોઇ તેનાથી કંટાળી જઇ તે મરી જવા મજબૂર થયા હતાં.

પોલીસે આ બનાવમાં આપઘાત કરનાર કિશોરભાઇના પત્નિ પૂનમબેન રાઠોડ (ઉ.૩૬)ની ફરિયાદ પરથી ભોગીલાલ અને તેના પુત્ર પ્રતિક સામે આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૂનમબેનના કહેવા મુજબ તેના પતિને ભોગીલાલ અને પ્રતિક પૈસાની ઉઘરાણી બાબતે અવાર-નવાર ફોન કરી ધાક ધમકી આપતાં હતાં. આ પૈસાથી ઉઘરાણી કરવા બંને ઘરે આવતાં હતાં અને મોબાઇલમાં મેસેજ કરીને પણ હેરાન કરતાં હતાં. આ કારણે કંટાળી જઇ પતિએ મહિકા કાકાના ફાર્મમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પૂનમબેનની આ ફરિયાદ પરથી પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ આર. બી. વાઘેલાએ તપાસ શરૂ કરી છે.    આપઘાત કરનાર કિશોરભાઇ પરિવારના એકના એક પુત્ર હતાં અને અટીકામાં સ્વામિનારાયણ એન્જિનિયરીંગ નામે નટ બોલ્ટનું કારખાનુ ધરાવતાં હતાં. તેને સંતાનમાં બે પુત્રો છે.

(12:27 pm IST)