Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

જિલ્લા પંચાયતમાં ૧૭ મેએ પ્રશ્નોત્તરી સાથેની વર્તમાન પ્રમુખની અંતિમ સામાન્ય સભા

રાજકોટ, તા. ૨૬ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા ૧૭ મે એ ગુરૂવારે યોજવા માટે પ્રમુખના કાર્યાલય દ્વારા ડી.ડી.ઓ. કાર્યાલયને દરખાસ્ત કરવામાં આવી છે. બે ત્રણ દિવસમાં જ સામાન્ય સભા અંગેનો એજન્ડા બહાર પડશે. સભ્યો સમય મર્યાદામાં પ્રશ્નો રજૂ કરી શકશે. ડી.ડી.ઓ. તરીકે અનિલ રાણાવાસીયા આવ્યા પછી પ્રથમ બોર્ડ બેઠક આવી રહી છે.

વર્તમાન પંચાયત પ્રમુખ નિલેશ વિરાણીની અઢી વર્ષની મુદત જૂન મધ્યે પુરી થઈ રહી છે. પ્રમુખનો કાર્યકાળ અઢી વર્ષનો યથાવત રહે તો વર્તમાન પ્રમુખના કાર્યકાળમાં પ્રશ્નોત્તરી સાથેની છેલ્લી સામાન્ય સભા બની રહેશે. ૨૦૧૮ના વર્ષમાં પ્રશ્નોત્તરી સાથેની સામાન્ય સભા પ્રથમ વખત મળી રહી છે. ફેબ્રુઆરીમાં બજેટ માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવેલ. જેમાં એજન્ડામાં પ્રશ્નોનો સમાવેશ થયેલ નહીં. લગભગ ૬ મહિના જેટલા સમય બાદ સભ્યોને સામાન્ય સભામાં પ્રશ્ન પૂછવાની તક મળી રહી છે. પાણી, આરોગ્ય, શિક્ષણ વગેરેને લગતા પ્રશ્નોનો ધોધ વહે તેવી સંભાવના છે.

(4:05 pm IST)