Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

વિજયભાઈ ધોળકીયાની ર૮મી પુણ્યતિથી નિમિતે શનિવારે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન

સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ દ્વારા વજુભાઈ વાળાની ઉપસ્થિતિમાં હિમાંશુભાઈ માંકડ, નલીનકાંતભાઈ છાયા, નીતિનભાઈ વડગામાને ફૂલડે વધાવાશે

રાજકોટ, તા.૨૬: શ્રી વિજયભાઈ ધોળકિયા ઉત્તમ શિક્ષક હતા અને તેથી શ્રેષ્ઠ આચાર્ય બની શકયા. માનવતા અને માનવીય અભિગમ શિક્ષણમાં કેવી રીતે લાવી શકાય તેનું જવલંત ઉદાહરણ તેઓશ્રી હતા. દસમી માર્ચ, ૧૯૯૦ના રોજ ૬૩ વર્ષની ઉંમરે તેઓએ અચાનક વિદાય લીધી. તે સમયે રાજકોટ શહેરે તેના શિક્ષકપુત્રને શ્રદ્ધાંજલી આપવા માટે રાજકોટ બંધ પાળ્યો હતો તે એક નોંધનીય ઘટના છે. શિક્ષક અને શિક્ષણ આદરનો વિષય છે તેવું શ્રી વિજયભાઈએ સમાજમાં પ્રસ્થાપિત કર્યુ હતું. શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ આજે પણ જે કંઈ છે તે શ્રી વિજયભાઈ ધોળકિયાની મહેનતને પરિણામે છે, તેનો સ્વીકાર કરીને શનિવારે તા.૨૮ના રોજ શ્રી વિજયભાઈ ધોળકિયા સ્મૃતિ સભાખંડમાં સવારે ૯ થી૧૧ દરમિયાન વિદ્યાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કર્ણાટક રાજયના રાજપાલ શ્રી વજુભાઈ વાળા રહેશે. શ્રી વિજયભાઈ ધોળકિયાની યાદમાં રાજકોટના વિવિધ ક્ષેત્રના કર્મઠ શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવશે.

નવા કલેવર ધરીને શિક્ષણક્ષેત્રે નવપ્રદાન કમરકસી રહેલ ૧૧૭ વર્ષ જુની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ તેના પાયાના પથ્થર અને સ્વપ્નશિલ્પી નખશિખ શિક્ષક શ્રી વિજયભાઈ ધોળકીયાની સ્મૃતિને અંજલિ આપવા વિદ્યાંજલિ સમારોહનું આયોજન કરી રહેલ છે. આ શાળાના ટ્રસ્ટી અને આચાર્ય એવા સ્વ.શ્રી વિજયભાઈ ધોળકીયાની વિદાયને ૨૮ વર્ષ પૂરા થઈ રહયા છે. શ્રી વિજયભાઈ ધોળકીયાને અંજલી આપવાના ભાગરૂપે સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે હિમાશુંભાઈ માંકડ, શિક્ષણક્ષેત્રે નલીનકાંતભાઈ છાંયા અને સાહિત્યક્ષેત્ર શ્રી નિતીનભાઈ વડગામાનું સન્માન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ટ્રસ્ટ સાથે ખૂબ નીકટથી સંકળાયેલા અંગ્રેજી વિષયના નિષ્ણાંત અને પી.ડી.માલવીયા કોલેજના ભૂતપૂર્વ અધ્યાપક શ્રી નલીનકાંતભાઈ છાંયાએ શિક્ષણક્ષેત્રે ખૂબ જ ઉચું પ્રદાન આપ્યું છે. તેઓ વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય હતા.

રાજકોટના જ વતની ગુજરાત સાહિત્યના એક ઉમદા કવિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક શ્રી નિતિનભાઈ વડગામાંએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેક કવિતાઓ લખી છે.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ડો.ઈલાબેન વછરાજાની, ટ્રસ્ટીઓ ઈન્દુભાઈ વોરા, જયંતભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય એવા શ્રી હરદેવસિંહ જાડેજા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય અને વિવિધ સેવાકિય પ્રવૃતિઓના પ્રણેતા અને ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઈ દોશી કાર્યરત છે. આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો સહિત સમાજશ્રેષ્ઠીઓને કાર્યક્રમ માટે નિમંત્રિત કરાયાનું સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.નિદત બારોટની યાદીમાં જણાવાયું છે.

(4:02 pm IST)