Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સહકારી મંડળીમાંથી લોન લઇને આપેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા

સજા સાથે આરોપીને ૩ લાખ ૬૦ હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો

રાજકોટ તા. ૨૬: અત્રે શ્રી સમર્પણ શરાફી સહકારી મંડળી લી. માંથી લીધેલ લોન પરત ચુકવવા આપેલ ચેક પરત થતા ફોજદારી કેસમાં આરોપીને બે વર્ષની સજા તથા ચેક રકમનો દંડ કોર્ટે ફટકાર્યો હતો.

રાજકોટ શહેરની શ્રી સમર્પણ શરાફી સહકારી મંડલી લી. ના ઓથો. દરજજે ફરીયાદીએ ફરીયાદ દાખલ કરેલ હતી. જેમાં આરોપી ભરતભાઇ કરમશીભાઇ અણદાણી, રહે. ખોડિયાર પાર્ક શેરીનં. ૩૨, જુના જકાત નાકા પાસે, મોરબી રોડ રાજકોટના એ ફરીયાદી મંડળી પાસેથી ધોરણસરના દસ્તાવેજો કરી આપી લોન મેળવેલ હતી. આ લોનની બાકી લેણી રકમ પરત ચુકવવા આરોપીએ તા. ૧૧/૦૪/૨૦૧૬ના રોજ રૂ.૩,૬૦,૪૭૦/- નો ચેક આપેલ હતો જે ચેક રીર્ટન થતા ફરીયાદી તરફથી નોટીસ આપવામાં આવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતાં રકમ ન ભરતા આરોપી વિરુધ્ધ નેગોશીયેબલની સ્પે. કોર્ટમા ચેક રીર્ટન અંગેનો ફોજદારી કેસ દાખલ કરેલ હતો.

આ કેસ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી પક્ષ તરફથી રજુ કરવામાં આવેલ લોન એકાઉન્ટ સ્ટેસમેન્ટ, લોન એપલીકેશન ફોર્મ, લોન આપ્યા અંગેના પુરાવા તથા તમામ જરૂરી દસ્તાવેજો કોર્ટમાં રેકર્ડ પર રજુ કરેલ હતા. આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલ હતો કે અમોને લોન મળેલ નથી કે બાકી લેણા પેટે ચેક આપેલ નથી કે આરોપીની માનસીક સ્થિતિ ખરાબ હોય કોરા ચેકમાં સહી લીધેલ હોય, તેવી દલીલો તથા બચાવ રજુ કરેલ હતો. તે બચવા સાબિત કરવા આરોપી તરફે સાક્ષીઓ પણ તપાસવામાં આવેલ હતા.

કોર્ટના રેકર્ડ પર આવેલ પુરાવાઓ ફરીયાદી મંડળીની તરફેણના હોય અને આ પુરાવા ન માનવા કોઇ કારણ ન હોય તેવી ફરીયાદીના વકીલની રજુઆતો કરવામાં આવેેલ હતી. તેમ જ ચેક રીટર્ન અંગેનો તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે. તેમજ વડી અદાલત અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી ફરીયાદીના વકીલશ્રી દ્વારા દલીલો તથા રજુઆતો કરવામાં આવેલ હતી અને તે મુજબ ફરીયાદી પોતાનો કેસ સંપૂર્ણ પણે સાબિત કરેલ હોય અને આરોપીને મહતમ સજા અને ફરીયાદીને વળતર ચુકવવા રજુઆત કરેલ હતી. તે તમામ રજુઆતો અને દલીલોને ધ્યાને રાખી રાજકોટના એડી.ચીફ. જયુ.મેજી. શ્રી બી. એચ.ધાસુરા આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ને રૂ. ૩,૬૦,૪૭૦/- નો દંડ કરેલ હતો અને જો આ દંડની રકમ ન ભરેતો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી શ્રી સમર્પણ શરાફી સહકારી મંડળી લી. વતિ વકિલ શ્રી એમ.આર. નાથાણી, રાજેશ એન. મંજુસા, સંજયસિંહ આર. જાડેજા રોકાયેલ હતા.

(4:00 pm IST)