Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પાટીયાળી ગામે થયેલ આધેડની હત્યા કેસમાં આરોપીની જામીન અરજી નામંજુર

આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુન્હો છેઃ અદાલત

રાજકોટ, તા. ૨૬ :. વિંછીયા તાલુકાના પાટીયાળી ગામની સીમમાં આવેલ ખેતરમાં ઢોર છુટા મુકીને ભેલાણ કરાવવા પ્રશ્ને ઓઘાભાઈ જેમાભાઈ તાવીયાની કુહાડા, પાઈપ, લાકડીના ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલ આરોપી વાલજી રણછોડ તાવીયાએ ચાર્જશીટ બાદ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેન્સ જજ શ્રી પી.પી. પુરોહીતને નકારી કાઢી હતી.

આ બનાવ અંગે ઈજા પામનાર રાજેશ ઓઘાભાઈ તાવીયાની ફરીયાદ ઉપરથી પોલીસે હાલના આરોપી વાલજી તાવીયા ઉપરાંત ત્રણ સામે ગુન્હો નોંધીને આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કરતા આરોપી વાલજીએ ચાર્જશીટ બાદ જામીન પર છૂટવા અરજી કરી હતી.

બનાવની વિગત મુજબ તા. ૨૫-૧૦-૧૭ના રોજ આરોપીઓએ ભેલાણ પ્રશ્ને ફરીયાદી રાજેશ, તેના બનેવી ભાવેશ ધનજી કટારીયા અને ફરીયાદીના પિતા ઓઘાભાઈ તાવીયા ઉપર કુહાડી, લાકડી, પાઈપ વડે ખૂની હુમલો કરતા ઓઘાભાઈનું મૃત્યુ નિપજતા પોલીસે ખૂનનો ગુન્હો નોંધેલ હતો.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી સ્મિતાબેન અત્રીએ આરોપીની જામીન અરજીના વિરોધમાં રજૂઆત કરેલ કે, આરોપી સામે ખૂન જેવો ગંભીર ગુન્હો છે. બનાવને નજરે જોનાર અને ઈજા પામનાર સાહેદ છે. તેથી આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોય જામીન અરજી રદ કરવી જોઈએ.

ઉપરોકત રજૂઆત અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈને એડી. સેસ. જજ પુરોહીતે આરોપી વાલજી તાવીયાની જામીન અરજી રદ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી સ્મિતાબેન અત્રી રોકાયા હતા.

(4:00 pm IST)