Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

શરીરની જેમ મન પણ શુધ્ધ રાખો : નીકીતાબેન મણીયાર

આર્ટ ઓફ લીવીંગ દ્વારા રાજકોટમાં શનિ-રવિ વેલનેસ કોર્ષ : પીજીવીસીએલના એકઝી. એન્જી. લાઇફસ્ટાઇલ અને ખોરાક સંતુલન અંગેની સમજ આપશે : રજીસ્ટ્રેશન શરૂ

રાજકોટ તા. ૨૬ : 'રોગ કે બીમારીનો ઇલાજ કરી નાખવાથી વેલનેસ ન આવે, શરીર, મન, વિચાર, ભાવના દરેક રીતે સ્વસ્થ બનીએ ત્યારે વેલનેસની ખરી અનુભુતિ થાય છે' તેમ રાજકોટ આર્ટ ઓફ લીવીંગ આયોજીત વેલનેસ કોર્ષ લેવા આવેલા ભાવનગર પીજીવીસીએલના એકઝીકયુટી એન્જીનીયર નીકિતાબેન મણીયારે 'અકિલા' ની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે શરીર સાચવવા જેટલા પ્રયત્ન કરીએ તેટલા જ મન સાચવવા પણ કરવા જોઇએ. જો શરીર, મન, વિચાર, ભાવના શુધ્ધ હશે તો કુદરત સાથે સરળતાથી સંતુલન સાધી શકાશે. આવુ સંતુલન એટલે વેલનેસ. જેમાં આયુર્વેદ, યોગનું જ્ઞાન પીરસવામાં આવે છે.

વેલનેસ માટે લાઇફ સ્ટાઇલ અને ખોરાકના સંતુલન ઉપર ધ્યાન આપવુ પડે છે. આવી બધી બાબતો આર્ટ ઓફ લિવિંગના નવા મેન્યુલ થયેલા વેલનેસ કોર્ષમાં શીખવવામાં આવે છે.

રાજકોટમાં આગામી તા. ૨૮ અને ૨૯ ના શનિવારે સવારે અને સાંજે ૬.૩૦ થી ૮.૩૦  તથા તા. ૨૯ ના રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ વિવેકાનંદ હોલ, આમ્રપાલી અને એરપોર્ટ ફાટક વચ્ચે આવેલ સ્વસ્તીક સોસાયટી ખાતે ગોઠવવામાં આવેલ છે. ટોકન ચાર્જથી નામ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. જોડાવા કે વધુ માહીતી માટે નીકિતાબેન મો.૯૯૨૫૨ ૦૯૨૮૩ અથવા મો.૯૯૨૫૨ ૦૯૩૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટનો આ વેલનેસ કોર્ષ લેવા આવેલ નીકિતાબેન ૨૧ વર્ષથી આર્ટ ઓફ લીવીંગ સાથે સંકળાયેલા છે અને બેંગ્લોર આશ્રમ ખાતે તેમણે આ અંગેની તાલીમ મેળવી છે. ગુરૂદેવના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ આ એકદમ નવા 'વેલનેસ' કોર્ષના તેઓ એકમાત્ર શિક્ષક છે. રાજકોટ ખાતે આ પ્રકારનો સૌપ્રથમવાર કોર્ષ આયોજીત થયાનું તેઓએ જણાવેલ.

મુલાકાત સમયની તસ્વીરમાં નીકિતાબેન મણીયાર, જાગૃતિબેન માલવીયા, આનંદભાઇ માલવીયા, નરેન્દ્રભાઇ નથવાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:52 pm IST)