Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સિકંદરાબાદ-પોરબંદર ટ્રેનમાં પૂણે નજીક મધરાત્રે રાજકોટનાં બે મહિલા કર્મચારી લૂંટાયા

મરાઠી બોલતા ૭ યુવનો ત્રાટકયાઃ ડીઆરડીએના સરોજબેન મારડીયા- સોનલબેન વાળા ભોગ બન્યા : દ્વારકા-પોરબંદર જતા સુનીતાબેન મહેશભાઇ અને ગૂલબર્ગથી અમદાવાદ : આવતા સંગીતાબેન શ્રીકાંતનાં સોનાના મંગળસુત્ર લુંટી ગયા

રાજકોટ તા. ર૬ :.. હૈદ્રાબાદ ખાતે ૧૦ દિ' ની ટ્રેનીંગ પુરી કરી રાજકોટ આવી રહેલ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મીશન મંગલમના સરોજબેન મારડીયા અને આજ કચેરીના બીજા એક કર્મચારી સોનલબેન વાળા સહિત ૬ થી ૭ મહિલાઓ રાજકોટ- પોરબંદર આવી રહેલ સિકંદરાબાદ - પોરબંદર ટ્રેનમાં ભયાનક લુંટનો ભોગ બનતા અને આ ટ્રેનમાં કોઇ સુરક્ષા જવાનો કે ટીસી ન મુસાફરોમાં પ્રચંડ રોષ વ્યાપી ઉઠયો છે., રેલ્વેના હાઇલેવલ અધિકારીઓને જાણ કરાઇ છે.

આ અંગે પુના રેલ્વે સ્ટેશને પોલીસમાં ફરીયાદ કરનાર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સરોજબેન મારડીયાએ 'અકિલા' ને ટેલીફોનીક વાતચીતમાં ઉમેર્યુ હતું કે અને હૈદ્રાબાદથી ૧૦ દિ' ની ટ્રેનીંગ પુરી કરી ૧૦ બહેનો અન્ય મુસાફરો સાથે સિકંદરાબાદ - પોરબંદર ટ્રેનમાં રાજકોટ આવી રહ્યા હતાં. બરોબર ૧ાા વાગ્યાની આસપાસ પુના થી આગળનું સ્ટેશન કે જે અવાવરા સ્થળે આવેલુ છે તે સ્ટેશન ડોન્ટ સ્ટેશન પાસે રાત્રે ૧ાા વાગ્યે એકાએક ગાડી ઉભી રહી ગઇ હતી, અને ૬ થી ૭ જેટલા મરાઠી બોલતા શખ્સો ટ્રેનમાં ઘુસી ગયા હતાં, મારા ગળામાંથી સોનાનો ચેન આંચકી લીધો હતો, મે ઝપાઝપી કરી તો પણ અર્ધા ચેનની લુંટ થઇ બીજા એક મહિલા કર્મચારી સોનલબેન વાળાનું આખુ પર્સ આંચકી લીધુ હતું, તેમાં તેમના બે મોબાઇલ, અને ૩ થી ૪ હજાર રોકડા લુંટી ગયા હતાં.

સરોજબેને ઉમેર્યુ હતું કે, આ ઉપરાંત દ્વારકા-પોરબંદર જઇ રહેલ સુનીતાબેન મહેશભાઇનું સોનાનું મંગળ સુત્ર, ગુલબર્ગથી બેઠેલા અને અમદાવાદ ખાતે મકાનમાં વાસ્તુમાં જઇ રહેલા સંગીતાબેન શ્રીકાંતનું મંગળ સુત્ર પણ નાલાયકોએ લુંટી લીધુ હતું, અન્ય ૩ થી ૪ મહીલા-પુરૂા પણ ભોગ બન્યા હતાં.

સરોજબેને જણાવ્યું હતું કે ટ્રેનમાં રીતસર ફિલ્મમાં દેખાડી છે તેવી લૂંટફાંટ-ઝપાઝપી ચાલી હતી, લુંટારૂઓ કેટલાયને મારતા હતા, બધા ભારે ગભરાઇ ગયા હતાં.

આ પછી અને પુના રેલ્વે પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધવી છે, ટીસી નો કયાંય દેખાયો જ નહી, ટ્રેનના રોકાણ અંગે પોલીસ સાથે માથાકુટ થઇ હતી, આખરે અન્ય કોચમાંથી બધા જેન્ટલ પણ ઉતર્યાને પોલીસ સામે દલીલો ચાલુ કરતા અને ટ્રેન ત્યાં સુધી નહી જવા દેવાય તેમ જણાવી દેતા પોલીસે ફરીયાદ લીધી હતી.

ટ્રેનમાં ધોરાજી-ગોંડલના પણ મહીલા કર્મચારી હતા પણ તેમનું કશું ગયું નથી.

સરોજબેન મારડીયાએ અને અન્ય મુસાફરોએ  પ્રચંડ રોષ વ્યકત કર્યો હતો કે ટ્રેનમાં કોઇ ટીસી નહોતો, કોઇ સુરક્ષા જવાનો ન હતાં. પોલીસનો પણ સહકાર ન મળ્યો.

લૂંટનો ભોગ બનનાર સોનલબેન વાળા, જયોતિ કોમ્પલેકસ રીંગ રોડ ઉપર રહે છે.

જયારે સરોજબેન ૪ વૈશાલીનગર - રૈયા રોડ ખાતે રહે છે. સોનલબેનનું આધાર કાર્ડ-એટીએમ. પણ કાર્ડ પણ લુંટાઇ ગયા છે. હાલ પુના પોલીસ તપાસ કરી રહી છે. (પ-૧૭)

 

(12:05 pm IST)