Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના કોંગ્રેસ પ્રભારી-નિરીક્ષકોની વરણી

થોડા વાદ-વિવાદ અને ફેરફાર બાદ અંતે કોંગ્રેસ સંગઠનની ગાડીએ ગતિ પકડીઃ અમરેલીમાં હાલ કોઈ નિમણૂક નહીં !!: ઝોન પ્રભારી તરીકે સોમાભાઈ પટેલ, બ્રિજેશ મેરજા, ડો. ચંદ્રીકાબેન ચુડાસમા અને નૌશાદ સોલંકીઃ જનમિત્ર કો-ઓર્ડીનેટર પાલભાઈ અને ઝવેરભાઈ

રાજકોટ, તા. ૨૬ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતનાં ચારેય ઝોનમાં ઝોન પ્રભારી તથા જીલ્લા નિરીક્ષકોની નિમણૂકની તજવીજ આદરાતા જ જુથવાદના ભોરીંગે ફુંફાળા માર્યા હતા અને વરણીને બ્રેક લાગી ગઈ હતી પરંતુ અમુક સુધારા-વધારા અને ઉમેરા કરીને અંતે આજે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, મોરબી, જામનગર, કચ્છ અને ગીર સોમનાથના ઝોન પ્રભારી, જીલ્લા નિરીક્ષકો તથા જનમિત્ર કો-ઓર્ડીનેટરોની નિમણૂકો જાહેર કરાઈ છે.

સૌરાષ્ટ્રના કચ્છ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા ઝોન તથા રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ ઝોનના ઝોન પ્રભારી તરીકે ડો. ચંદ્રીકાબેન ચુડાસમા, નૌશાદ સોલંકી, સોમાભાઈ પટેલ તથા બ્રિજેશ મેરજાને મુકવામાં આવ્યા છે. જ્યારે ઝોનના જનમિત્ર કો-ઓર્ડીનેટર તરીકે પાલભાઈ આંબલીયા તથા ઝવેરભાઈ રંઘોળીયાને મુકવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાના આદેશ અનુસાર જીલ્લા પ્રભારી અને જીલ્લા જનમિત્ર કો-ઓર્ડીનેટર તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે. તેમા પોરબંદર શહેર-જિલ્લાના નિરીક્ષક તરીકે જસવંતસિંહ ભટ્ટી અને ગીરધરભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે જ્યારે જનમિત્ર કો-ઓર્ડીનેટર તરીકે જવાહરભાઈ ચોટાઈને નિમાયા છે.

રાજકોટના નિરીક્ષક તરીકે ધારાસભ્ય ઋત્વિક મકવાણા તથા વિનુભાઈ અમીપરાને મુકાયા છે. જ્યારે જનમિત્ર કો-ઓર્ડીનેટર તરીકે ચંદ્રેશ રવાણી વરાયા છે.

જૂનાગઢના જીલ્લા નિરીક્ષક તરીકે લલીત વસોયા તથા અર્જુનભાઈ ખાટરીયાને મુકાયા છે જ્યારે વલ્લભભાઈ ઝીંઝુવાડીયા જનમિત્ર કો-ઓર્ડીનેટર તરીકે નિમાયા છે.

ગીર સોમનાથના જીલ્લા પ્રભારી તરીકે મુરૂભાઈ કંડોરીયા, પ્રતાપભાઈ દુધાત તથા ડો. કિર્તીબેન અગ્રાવતની નિમણૂક કરાઈ છે.

કચ્છ જીલ્લાના પ્રભારી તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજા, રહીમભાઈ સોરા જ્યારે હરદેવસિંહ જાડેજા જનમિત્ર કો-ઓર્ડીનેટર તથા જામનગરના જીલ્લા નિરીક્ષક તરીકે દિનેશ ડાંગર, આદમભાઈ ચાકી તથા નવલસિંહ જાડેજાને જનમિત્ર કો-ઓર્ડીનેટર તરીકે નિમાયા છે.

મોરબી જીલ્લાના નિરીક્ષક તરીકે ધારાસભ્ય ચિરાગ કાલરીયા તથા મનોજ રાઠોડ જ્યારે રાજદીપસિંહ જાડેજાને જનમિત્ર કો-ઓર્ડીનેટર તરીકે મુકાયા છે.

દેવભૂમિ દ્વારકાના જીલ્લા નિરીક્ષક તરીકે સામતભાઈ ઓડેદરા તથા યજુવેન્દ્રસિંહ જાડેજાને મુકાયા છે. જ્યારે જનમિત્ર કો-ઓર્ડીનેટર તરીકે શ્રી પિયુષ મહેતાની નિમણૂક કરાઈ છે.(૨-૫)

(12:05 pm IST)