Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ચેમ્બર ઓફ કોમર્સમાં બંધારણીય જોગવાઇઓનો ઉલાળીયો

૭ કારોબારી સભ્યોને બરતરફ કરવામાં કોની શરમ? : એ.જી.એમ. અને બંધારણની વિરૂધ્ધ લેવાતા નિર્ણયો : નવા પ્રમુખ પૂર્વ પ્રમુખના ઇશારે ચાલતા હોવાનો સભ્યોનો બળાપો : જ્ઞાતિવાદનું દુષણ હાટાવી વેપારીઓના પ્રશ્નો ઉકેલાય તેવી નકકર કામગીરીની અપેક્ષા : અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારતુ અસંતુષ્ટ જુથ

રાજકોટ તા. ૨૦ : વેપારીઓની પ્રતિષ્ઠિત ગણાતી વેપારી સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વ્યવહારોમાં બંધારણીય જોગવાઇઓનો સરેઆમ ઉલાળીયો થઇ રહ્યાનો રોષ અસંતુષ્ટ જુથના સભ્યોએ વ્યકત કર્યો છે.

આ સભ્યોએ 'અકિલા' ખાતે જણાવેલ કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના બંધારણના ભંગ સબબ ૭ કારોબારી સભ્યોને બરતરફ કરવાની ગત વાર્ષિક સાધારણ સભામાં ઉઠેલી માંગ પ્રત્યે શા માટે ઉદાસીનતા સેવવામાં આવી રહી છે? કોની શરમ નડી રહી છે? આ નિર્ણય લેવા સમિતિ રચવાની ઉઠેલી માંગ સામે પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયાએ એ.જી.એમ.ની ઉપરવટ જઇ બંધારણની વિરૂધ્ધ જઇ કોઇ સમિતિ જ ન બનાવતા સભ્યોમાં આક્રોશ ફેલાયો અને રહી રહીને સમિતિ બનાવી પણ સભ્યોની બરતરફીનો નિર્ણય અધ્ધરતાલ રાખી દેવાયો. આવુ શા માટે?

જે સમિતિ બનાવી તેમાં પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા, પૂર્વ પ્રમુખ શિવલાલભાઇ બારસીયા, પૂર્વ માનદમંત્રી વી. પી. વૈષ્ણવ, શાપર વેરાવળ ઇન્ડ. એસો.ના પ્રમુખ રમેશભાઇ ટીલાળા, પરેશભાઇ વાછાણી, જયંતભાઇ દેસાઇ, રમણીકભાઇ જસાણીનો સમાવેશ કરાયો.

આ સમિતિએ એજીએમમાં ઉઠેલ કારોબારી સભ્યોના બરતરફી અંગેનો નિર્ણય કરવાનો હતો. જેની મુદત ૧૩ ઓકટોબરે પૂરી થઇ ગઇ છતા કોઇ કઇ નિર્ણય લેવાયો નહી. ચેમ્બરના વર્તમાન પ્રમુખ સહીતના હોદેદરો સતા જવાન ડરે પૂર્વ પ્રમુખ સમીરભાઇ શાહના ઇશારે ચાલી રહ્યાોનો  આક્ષેપ અસંતુષ્ટ સભ્યોના જુથે કરેલ છે.

બરતરફી અંગેના પ્રકરણની વિગતો વર્ણવતા સભ્યોએ જણાવેલ કે બંધારણીય કલમ ૩૬ મુજબ કોઇપણ કારોબારી સભ્યો વર્ષ દરમિયાન ઓછામાં ઓછી ૫૦% હાજરી આપવી ફરજીયાત હોય છે. અથવા લાગ લગાટ ૩ મીટીંગમાં ગેરહાજર રહેનાર સભ્યો આપો આપ બરખાસ્ત થાય છે. બંધારણમાં આ પ્રકારની સ્પષ્ટ જોગવાઇ હોવા છતા તેનો ભંગ થઇ રહ્યો છે.

પ્રણયભાઇ શાહ, દેવેન્દ્રભાઇ શાહ, હસુભાઇ ભગદેવ, કેશુભાઇ રૈયાણી, ઉત્સવભાઇ દોષી સહીત પાંચ કારોબારી સભ્યો બંધારણીય જોગવાઇ મુજબ આપો આપ બરતરફ થવાને પાત્ર બને છે. જેથી વાર્ષિક સભામાં ચેમ્બરના સભ્ય ગીરીશભાઇ પરમાર દ્વારા સભ્યોને બરતરફ કરવાની માંગણી ઉઠાવવામાં આવી હતી.

ઉપરાંત ચેમ્બરના અન્ય એક કારોબારી સભ્ય મુકેશભાઇ દોશી તેમજ બીજા કારોબારી સભ્ય ઉપેનભાઇ મોદી પણ બંધારણની જોગવાઇની વિરૂધ્ધ ગયા હોય તેઓને બરતરફ કરવા માંગણી ઉઠાવાઇ હતી.

આમ કુલ ૭ કારોબારી સભ્યોને બરતરફ કરવાની માંગણી બુલંદ બની છે.  તેમ છતા ચેમ્બરના હોદેદારો દ્વારા નકકર કાર્યવાહી નહી થતા ચેમ્બરના બહુમત સભ્યોમાં રોષની લાગણી ફેલાઇ છે.

જ્ઞાતિવાદનુ દુષણ પણ ચેમ્બરમાં ઘુસી ગયુ છે. સામે વેપારીઓના પ્રશ્નો ઉકેલવા કોઇ ધ્યાન દેતુ નથી. તેવો બળાપો પણ અસંતુસ્ટ સભ્યોએ વ્યકત કરેલ છે. સત્વરે આ બધી બાબતો પ્રત્યે સંતોષજનક કાર્ય નહી થાય તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

તસ્વીરમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોના બેજવાબદારી ભર્યા વલણ અંગે અસંતુષ્ટ સભ્યોવતી વિગતો વર્ણવતા ગીરીશભાઇ પરમાર (મો.૯૯૨૫૬ ૧૯૨૧૮), રાજુભા જુંજા (મો.૯૮૯૮૧ ૦૨૪૭૨), મનસુખભાઇ રામાણી (મો.૯૯૭૯૧ ૪૪૧૪૪), જયસુખભાઇ ખુંટ (મો.૯૪૨૬૯ ૯૦૫૭૧), મહેશભાઇ પીપળીયા (મો.૯૯૦૯૯ ૮૮૮૫૦), પ્રવિણભાઇ ગજજર (મો.૯૦૯૯૯ ૪૯૫૬૫) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(4:21 pm IST)