Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સિવિલ કોવિડમાં ડો. આલોક સિંઘની દર્દીઓ માટેની પ્રશંસનિય સેવા

પોતે પણ કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતાં

રાજકોટ : જે રીતે હાથની પાંચેય આંગળીઓનું સ્વતંત્ર મુલ્ય છે તેમ કોઈપણ ક્ષેત્રમાં વર્ગ - ૧ થી લઈને વર્ગ ૪ સુધીના સર્વે કર્મચારીઓના કાર્યોનું વિશેષ મહત્વ છે. નોવેલ કોરોના વાયરસે તબીબ જગત સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની કામગીરીનું અદકેરું મુલ્ય સમજાવ્યું છે. એ પછી આરોગ્ય કર્મીઓ, મેડીકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મી હોય કે પછી સિકયુરીટી ગાર્ડ. દરેક લોકો પોત-પોતાની રીતે કોરોનાના દર્દીઓને મદદરૂપ થઈ રહ્યા છે. કોરોનાની મહામારીના સમયથી જ કોવીડ વોર્ડમાં ફરજ નિભાવીને અહર્નિશ સેવા કરીને દર્દીને મદદરૂપ થઈ રહ્યા છે પિડીયાટ્રીક વિભાગના ડો. આલોક સિંઘ.કોરોના વોર્ડમાં ફરજ નિભાવતા ડો. આલોક સિંઘે અનેક દર્દીઓની સારવાર કરીને સ્વસ્થ કર્યા છે. ત્યારે આ ફરજ દરમિયાન તેઓ ખુદ કોરોનાથી સંક્રમિત થયા હતા. સંક્રમિત થતાં તેઓ સારવાર અર્થે ૧૦ દિવસ કોવીડ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. સારવારના અંગે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, 'હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ થી લઈને સફાઈ કર્મીઓ સુધીના દરેક કર્મચારીએ મારું ખુબ ધ્યાન રાખ્યું છે. મને સપોર્ટ પુરો પાડ્યો છે. ૧૦ દિવસમાં મને સ્વસ્થ કરી દેતા હું ૪ દિવસ હોમ આઈશોલેસનમા રહીને ફરીથી ફરજ પર હાજર થઈ ગયો છું.
 

(12:47 pm IST)