Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરદાર જેવું જ એક મજબુત નાટક 'સરદારથી વિશ્વ સરદાર'

ગુજરાતી રંગભુમી નાટકોના એક વિદગ્ધ નાટય સમીક્ષક ઉત્પલ ભાયાણી હવે નથી રહયા. ખાસ કરીને મુંબઇ નાટય ભુમી પર સર્જાતા નાટકો માટે ઉત્પલભાઇની સમીક્ષા શું કહે છે તેની રાહ જોવાતી. કદાચ કારણ એ હશે કે તે હંમેશા પુર્વાગ્રહ મુકત અને તટસ્થ રહેતી.  હાલમાં જ રાજકોટમાં 'સરદારથી વિશ્વ સરદાર' નાટક રજુ થયું. આ નાટક વિષે સમીક્ષા આપતા પહેલા સ્વ. ભાયાણી સાહેબને હ્ય્દયપુષ્પથી અંજલી.

ગાંધીજીના ૧પ૦ મી જન્મ જયંતી વર્ષ નિમિતે અમદાવાદના રંગબહાર નાટય ગૃપનું રાજેન્દ્ર ભગત લેખીત-દિગ્દર્શીત ઉપરોકત નાટક સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા મેડીકલ કોલેજના ઉપક્રમે રાજકોટમાં ભજવાયું. આ મહાનાટક રાષ્ટ્રના એક સ્વ.મહાનાયક સરદાર સાહેબને જે લડતની સફળ નેતાગીરીને કારણે ગાંધીજીએ સરદારની ઉપાધી આપી હતી તે બારડોલી સત્યાગ્રહ પર મુખ્યતઃ આધારીત છે. જે માટે તેના લેખક-દિગ્દર્શક અમદાવાદના પીઢ રંગકર્મી રાજેન્દ્ર ભગતની જહેમત ઘણેખરૂ અંશે આ નાટકમાં ઉજાગર થાય છે.

વ્યવસાયીક ધોરણ કરતા બીન વ્યાવસાયીક માત્ર રંગભુમી પ્રત્યેની નિષ્ઠા અને સેવાની ભાવનાથી નાટય ક્ષેત્રમા઼ રહી શકવુ ઘણું જ કષ્ટદાયી કલાઓમાં સંભવતઃ સખત પરીશ્રમ આ કલામાં છે બીન વ્યવસાયીકો માટે તો ખાસ છતા તેમાં ઉપહાસ વધુ અને આદર ન્યુનતમ મળે છે. તેથી આવા નાટયપ્રેમી અને તેના મરજીવાઓના નાટકોમાં માત્ર ક્ષતીઓ જ શોધવાની માનસીકતાથી સમિક્ષકે દુર રહેવુ઼ ઘટે. તેના કરતાં નાટક માટેના માનસીકતાથી સમીક્ષકે દુર રહેવુ઼ ઘટે. તેના કરતાં નાટક માટેના સૌરાષ્ટ્ર જેવા સુકા પ્રદેશમાં ચાલો એક નાટક તો ઉગ્યું એ દ્રષ્ટિની મુલવણી આવા રંગકર્મીઓ માટે પ્રોત્સાહક બની રહે. તો યે બીલકુલ ધ્યાન દોરવા જોગ બાબતે પણ પ્રકાશ તો પાડવો જ પડે.

૪પ જેટલા કલાકારોને રંગમંચ પર  દ્રશ્ય મુજબ કોરીયોગ્રાફ કે કંપોઝીટ કરવા માટે દિગ્દર્શકે સુઝ અને સમજનો સમન્વય કરવો પડે. અહી  વિશેષ અંગ્રેજ અધિકારીઓ સાથેની મીટીંગ્ઝ, સત્યાગ્રહના ગ્રામ્ય આગેવાનો તેમજ ગાંધી અને વિશેષતઃ સરદારશ્રીની સભાઓના દ્રષ્યો વધુ છે. આ સભાનાં મુખ્ય પાત્રો, બેસેલા ે ઉભેલા ગ્રામજનોના (સમુહગત દ્રષ્યોમાં) કલાકારોથી કવર થતા હતા. જો કે આમ ન થવું જોઇએ તેવી સુચના દિગ્દર્શકની હશે જ. પણ કદાચ આવા દ્રષ્યોમાં બિલકુલ ઉત્સાહી યુવા કલાકારો હતાં તેની શકયતા સ્ટેઇજ સેન્સની સમજના અભાવને કારણે આમ બન્યું હશે. એ રીતે  પ્રકાશ આયોજન નિશ્ચિત થયા મુજબ કોઇ કોઇ પાત્રો તે દ્રશ્યના લાઇટીંગ મુજબના માળખામાં ગોઠવવામાં મુંઝવણમાં રહેતા જણાયાં.

સરદારના પ્રવચનોમાં થોડું સંક્ષિપ્તિકરણ થયું હોત તો ઠીક રહેત. કેમ કે તે વધુ 'લેન્થી' હતાં. પ્રિ-રેકોડેર્ડ આ નાટકમાં બે-એક પાત્રોના (જેમ કે સુત્રધાર બહેન વિ.નો) અસ્થાનિક  સ્વરાભિનય સિવાયના, સરદારશ્રી સહિતના અમદાવાદના દરેક કલાકારોનો લગભગ શુધ્ધ ઉચ્ચારીત સ્વર અભિનય બિલકુલ સુયોગ્ય. અંગ્રેજ અધિકારીઓના અંગ્રેજી શૈલીએ ઉચ્ચારાયેલ ગુજરાતી તથા ગાંધીજીના સંવાદોમાં ત્રણેય 'સ' માં માત્ર મીંડાવાળા 'શ' ના જ ઉચ્ચારો તો લાજવાબ. થોડા વધુ જણાતા પાશ્વ સંગીતનો દૃષ્યાનુસાર તાલમેલ બરાબર સધાયો. તેમજ નર્તન સાથેના બે-એ શૌર્ય ગીતો પણ અહીં સહજ રીતે રજુ થયાં. આ નાટકનો સન્નીવેષ સર્જવો કેયુરભાઇ માટે રમત વાત એટલા માટે હતી કે આનાથી વધુ આશ્ચર્ય ચકિત કરી દે તેવી દૃષ્ય રચનાઓ તેઓએ બીજા નાટકમાં કરી બતાવી. છે. રંગોળીના રાજા પ્રદીપ દવેની રંગ-વેશ ભુષા ઘણી પ્રતિતિજનક. અંગ્રેજ અમલદારો સરદાર તથા ગાંધી જેવા પ્રભાવી વ્યકિતત્વને તેઓએ બરાબર ઉપસાવ્યાં. ચેતન ટાંકને પ્રકાશ અયોજન અને તેના સંચાલનમં જબરી હથરોટી છે, જે અહીં જોઇ શકાઇ. તે અચ્છો દિગ્દર્શક અને કલાકાર પણ છે તે અહીં નોંધવુ જ ઘટે. સંગીતનો સુંદર સહયોગ સાપડયો ગુલામ હુસેન આગવાનનો.

આ એક 'યુગીય નાટક' ને રંગમંચ પર જીવંત કરવા તેના ઘણાં ખરા કલાકારોએ ભરપુર પ્રયાસ કર્યો. 'વજ્રાદપિ કઠોરાની કુસૂમાદપિ કોમલાની' જેવા સરદારની ભૂમિકા, પીઢ પત્રકાર, કલાકાર અને લેખક કિશોર ડોડીયાએ જવાબદારીની ગંભીરતા સાથે સાર્થક કરી. સહાયક અગત્યના પાત્રોમાં અરવિંદ રાવલ, ચેતન દોશી, નિલેશ વિરાણી, હેતલ રાવલ, કૌશિક રાવલ, હર્ષિત ઢેબર, તેમજ ગાંધીજીની બ્રાન્ડેડ ભૂમિકામાં રક્ષિત વસાવડા જેવા કસાયેલા કલાકારો સાથે થોડાં અમદાવાદના કલાકારો પણ જુદી જુદી ભૂમિકાઓમાં રજૂ થયાં. આ સૌના સહયોગે નિષ્ઠાવાન નવોદિતો કૈરવ ભાર્ગવ ગૌતમ દવે, વૈશાલી મારૂ, સંકેત મહેતા, કાજલ જોષી, નિલેષ ચૌહાણ, મૌલિક ગજ્જર અને અક્ષય થોરીયા આવા સુંદર નાટકમાં અભિયન પ્લેટફોર્મ મળ્યાનો આનંદ તેના અભિનય દ્વારા વ્યકત કર્યો. નાટકના દૃષ્યો, તેની ગુંથણી, તેના સંવાદો અને દિગ્દર્શન માટે રાજેન્દ્ર ભગતને શ્રેય આપવો જ પડે. કલા અને કલાકાર માટેનું કવિવર્ય ઉમાશંકર જોષીનું એક વિધાન નોંધવા જેવું છે. 'કલાનું સત્ય અંતે તો કલાકારના દર્શનનું સત્ય છે.' નાટકની સમાપ્તિએ સ્ટેન્ડીંગ ઓવેશન આપી આ નાટક તથા તેના સૌ કલાકારો પ્રત્યે પ્રત્યક્ષ આદર વ્યકત કરી પ્રેક્ષકોએ ઉપરોકત વિધાનને જાણે સિધ્ધ કરી બતાવ્યું. હવે પછી આ મહાનાયક સરદાર સાહેબના જન્મ દિવસે ૩૧ મીના રોજ બારડોલી શહેરે ભજવાશે.

નાટક પૂર્વેના વિધિ વિધાન વખતે કેન્દ્રીય મંત્રી બાવળીયા સાહેબે સ્વાભાવિક રીતે જ રાજકીય પ્રવચન આપ્યું. પરંતુ આત્મિયના 'આત્મીય' નલિન ઝવેરીએ 'કર્મવાદથી કર્મ સિધ્ધિ' એ વિષેનું પ્રવચન યુવાનો માટે પ્રેરણારૂપ રહ્યું તેની પણ અહીં નોંધ લેવી જોઇએ.

આલેખન કૌશીક સિંધવ

મો.૭૩પ૯૩ ર૬૦પ૧

(3:50 pm IST)