Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

દિવાળીની રાતે દેવપરા પાસે જમીન મકાનના ધંધાર્થી નિતેશ ઉર્ફ બરજો ખુંટનું યુપીના બે મિત્રો પર ફાયરીંગ

ફાયરીંગ કોણે કર્યુ એ ઘાયલોને ખબર નહોતીઃ ભકિતનગર પોલીસે કલાકોમાં ભેદ ઉકેલી પટેલ શખ્સને દબોચ્યો : નિતેશ પટેલનું રટણઃ ઘર નજીક કેટલાક શખ્સો ગાળો બોલતાં હોઇ તેને ભગાડવા ભડાકો કર્યો'તો...પણ એ ભાગી ગયા ને બાઇક લઇને નીકળેલા યુપીના બે શખ્સો ઘાયલ થઇ ગયાઃ હત્યાની કોશિષનો ગુનો નોંધી પરવાના વાળી પિસ્તોલ અને ફૂટેલો કાર્ટીસ કબ્જે

જેના પર ફાયરીંગ થયું એ બંને યુવાનો અવધેશ, સુગ્રિવ તથા બાજુની તસ્વીરમાં ફાયરીંગ કરનાર નિતેશ ખુંટ (કપડુ ઓઢાડેલો) અને પોલીસ જોઇ શકાય

રાજકોટ તા. ૩૧: શહેરમાં દિવાળીની સાંજે જંગલેશ્વરથી દેવપરા તરફ જતાં રોડ પર ખ્વાજા ચોક પાસે અજાણ્યા શખ્સે બાઇક પર પસાર થઇ રહેલા જંગલેશ્વરમાં રહેતાં મુળ ઉત્તર પ્રદેશના બે મિત્રો પર કોઇએ ફાયરીંગ કરતાં બંનેને પગમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ફાયરીંગ કોણે અને શા માટે કર્યુ? તે અંગે આ બંને મિત્રોને ખબર નહોતી. ભકિતનગર પોલીસે તપાસનો ધમધમાટ કરી આ વિસ્તારમાં હથીયાર પરવાનો ધરાવતાં હોય તેવા શખ્સો અંગે તપાસ શરૂ કરી હતી અને કલાકોમાં ભેદ ઉકેલી નાંખી નિલકંઠ પાર્કમાં રહેતાં જમીન મકાનના ધંધાર્થી પટેલ શખ્સને ઝડપી લીધો હતો. આ મામલે હત્યાની કોશિષ અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટી-૨માં રહેતો અને કારખાનામાં મજૂરી કરતો અવધેશ ઉમાશંકર ચોૈહાણ (રજપૂત) (ઉ.વ.૧૮) નામનો મુળ યુ.પી.નો યુવાન દિવાળીની રાતે પોતાના મિત્ર  સુગ્રિવ ઉમાશંકર ચોૈહાણ (ઉ.૧૭)ને પોતાના બાઇકમાં બેસાડી ઘરેથી દેવપરામાં ફટાકડા લેવા જવા નીકળ્યો હતો. બંને દેવપરા રોડ ખ્વાજા ચોક પાસે પહોંચ્યા ત્યારે કોઇએ ફાયરીંગ કર્યાનો અવાજ આવ્યો હતો. અવધેશને અને સુગ્રિવ બંનેને પગમાંથી લોહી નીકળવા માંડતા તેણે બાઇક ઉભુ રાખીને જોતાં એક શખ્સ નેફામાં કંઇક સંતાડતો જોવા મળ્યો હતો અને ભાગી ગયો હતો.

બંનેને લોહી નીકળતાં હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગર પોલીસે અવધેશની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૦૭, આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બંને મિત્રોએ પોતાના પર કોણે અને શા માટે ફાયરીંગ થયું? તે અંગે કોઇ માહિતી નહિ હોવાનું અને પોતાને કોઇ સાથે માથાકુટ પણ નહિ હોવાનું પોલીને જણાવ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડે તાકીદે ગુનાનો ભેદ ઉકેલવા સુચના આપતાં  પી.આઇ. વી. કે. ગઢવી, અને ટીમના પીએસઆઇ પી. બી. જેબલીયા, એએઅસાઇ જયુભા પરમાર, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગામારા, મહેન્દ્રસિંહ ડોડીયા, સલિમભાઇ મકરાણી, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત, મયુરસિંહ પરમાર, મનિષભાઇ સિરોડીયા, રવિભાઇ પટગીર સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટના સ્થળ આસપાસ તપાસ કરી હતી. તેમજ વિસ્તારમાં કોઇ હથીયાર પરવાનેદાર રહે છે કેકેમ? તેની તપાસ કરતાં નિલકંઠ પાર્ક ૮૦ ફુટ રોડ પર બ્લોક નં. સી-૯૬/૧માં રહેતાં નિતેશ ઉર્ફ બેરોજ બચુભાઇ ખુંટ નામના પટેલ શખ્સ પાસે હથીયાર પરવાનો હોવાની માહિતી મળતાં તેને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરતાં પહેલા તો પોતે કંઇ જાણતો ન હોવાનું રટણ કર્યુ હતું. પણ અંતે તેણે પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી ફાયરીંગ કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી હતી. ઘર નજીકથી ફૂટેલો કાર્ટિસ પણ મળી આવ્યો હતો.

નિતેશ પટેલે એવું રટણ કર્યુ હતું કે દિવાળીની રાતે તેના ઘર નજીક કેટલાક જંગલેશ્વરના શખ્સો ગાળો બોલતાં હોઇ તેને ભગાડવા માટે ભડાકો કર્યો હતો. પરંતુ એ શખ્સો ભાગી ગયા હતાં અને એ વખતે જ બાઇક પર યુપીના બે શખ્સો નીકળતાં તેને ગોળી વાગી ગઇ હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)