Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ન્યુ સાગરમાં નિતાબેન ખુંટ પર વિશાલ ડવ અને બે અજાણ્યાનો પાઇપ-સળીયાથી હુમલો

કોલેજે જતી દિકરીને હેરાન કરતો હોઇ અગાઉ ઠપકો આપતાં ખાર રાખ્યો

રાજકોટ તા. ૩૧: કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટી-૬માં રહેતાં પટેલ પરિવારની દિકરી કોલેજે જતી ત્યારે તેની પાછળ જઇ આહિર શખ્સ હેરાન કરતો હોઇ તે બાબતે અગાઉ તેને ઠપકો અપાયો હોઇ આ શખ્સે ખાર રાખી દિવાળીની રાતે પટેલ પરિવારના ઘર પાસે આવી યુવતિને ગાળો દઇ તેના માતા પર સળીયા-પાઇપથી હુમલો કરી આતંક મચાવતાં દેકારો મચી ગયો હતો.

પોલીસે ન્યુ સગાર-૩માં રહેતાં નીતાબેન રમણીકભાઇ ખુંટ (ઉ.૪૫) નામના લેઉવા પટેલ મહિલા પર વિશાલ ડવ તથા અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. નીતાબેને જણાવ્યું હતું કે દિવાળીની રાતે પોણા બારેક વાગ્યે હું, મારા પતિ સુતા હતાં અને અમારી દિકરી ઉર્વિશા શેરીમાં રંગોળી બનાવતી હતી. આ વખતે વિશાલ અને બે અજાણ્યા શખ્સોએ આવી અમારી દિકરીને ગાળો દેવાનું ચાલુ કરતાં દિકરીએ મને બોલાવતાં હું બહાર આવતાં મને પણ ગાળો દીધી હતી. ત્યાં મારા પતિ આવી જતાં આ શખ્સો જતાં રહ્યા હતાં. એ પછી વિશાલ અને બે શખ્સો પાઇપ-સળીયા લઇને ફરીથી આવ્યા હતાં અને મને ગાળો દઇ હુમોલ કરી ઇજા કરી હતી. લોકો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં. મારી દિકરી ઉર્વશી કોલેજે જતી ત્યારે વિશાલ તેને પાછળ જઇ હેરાન કરતો હોઇ તેને અગાઉ ઠપકો આપ્યો હોઇ તેનો ખાર રાખી દિવાળીની રાતે આવી તેણે ગૂંડાગીરી કરી હતી.

(3:46 pm IST)