Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વાહન ચોરીમાં સામેલ ચંકી ફકીરે ભાઇ-માતા સાથે મળી જંગલેશ્વરના અકરમ ફકીરને ઘુસ્તાવી છરી ઝીંકી

રાજકોટ તા. ૩૧: જંગલેશ્વરના ફકીર શખ્સ પર દિવાળીની રાતે દેવપરા રોડ પર ખ્વાજા ચોકમાં અગાઉ વાહન ચોરીમાં પકડાયેલા શખ્સે  બાતમીની શંકા રાખી પોતાના ભાઇ-માતા સાથે મળી છરીથી હુમલો કરતાં ફરિયાદ થઇ છે.

પોલીસે જંગલેશ્વર-૩૨, આઝાદ ચોકમાં રહેતાં અને છુટક કામ કરતાં અકરમ હાસમભાઇ શાહમદાર (ઉ.૧૮) નામના ફકીર યુવાનની ફરિયાદ પરથી ચંકી ફૈઝલભાઇ ફકીર, ચંકીનો મોટો ભાઇ અને ચંકીની માતા સામે ગુનો નોંધ્યો હતો.

અકરમના કહેવા મુજબ હું દિવાળીની રાતે બે વાગ્યે જંગલેશ્વરથી દેવપરા તરફ જતાં રસ્તા પર આવેલા ખ્વાજા ચોકમાં ખ્વાજા એપાર્ટમેન્ટ નજીક મિત્રો અંજુમ કોૈશરભાઇ નાગોરી સહિતની સાથે બેઠો હતો. એ વખતે ચંકી ફૈઝલભાઇ પણ ત્યાં હતો. મને તેણે તેની પાસે બોલાવતાં હું ત્યાં જતાં તે બોલાચાલી કરી ગાળો દેવા માંડ્યો હતો. મેં ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને નેફામાંથી છરી કાઢી મને મારવા જતાં હું ખસી ગયો હતો. મને થોડી ઇજા થઇ હતી.

એ પછી ચંકીએ તેનું ઘર નજીકમાં જ હોઇ પોતાના માતા, મોટા ભાઇને બોલાવતાં તેણે પણ આવીને મને ગાળો દીધી હતી. મને ઇજા થઇ હોઇ મારા ઓળખીતા ઇકબાલભાઇ અને દિલાવરભાઇ આવી જતાં મને હોસ્પિટલે  ખસેડ્યો હતો. ચંકી અગાઉ બાઇક ચોરીમાં પકડાયો હોઇ તે બાબતે તેને મારા પર શંકા હોઇ ખાર રાખી પોતાના ભાઇ અને માતા સાથે મળી છરીથી હુમલો કર્યો હતો. એએસઆઇ એસ. વી. ડાંગર અને રસિકભાઇએ ગુનો નોંધ્યો હતો.

(3:46 pm IST)