Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રૈયામાં ઘર નજીક ફટાકડા ફોડવાની ના પાડતાં ગોકુલ હોસ્પિટલના ઓ.ટી. આસિસ્ટન્ટ પર હુમલો

જગજીતભાઇને પડોશી દેવરાજભાઇ, તેના પત્નિ કમુબેન અને પુત્રી આશાએ પાઇપથી ફટકારી ખૂનની ધમકી દીધાનો આરોપ

રાજકોટ તા. ૩૧: રૈયા ગામ ૧૦૦ વારીયા પ્લોટમાં રહતાં અને ગોકુલ હોસ્પિટલમાં ઓ.ટી. આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતાં જગજીતભાઇ રાજાભાઇ નાગરાજ (ઉ.વ.૪૫) પર દિવાળીની રાતે ફટાકડા ફોડવા મામલે પડોશી દેવરાજ કાનજીભાઇ પરમાર, કમુબેન દેવરાજભાઇ અને આશા દેવરાજભાઇએ હુમલો કરી લોખંડના પાઇપથી અને ઢીકા-પાટુનો માર મારતાં તેમજ મારી નાંખવાની ધમકી આપતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. ભગીરથસિંહે ફરિયાદ નોંધી હતી.

જગજીતભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ દિવાળી-બેસતા વર્ષની વહેલી સવારે સાડા ચારેક વાગ્યે તે ઘરમાં સુતા હતાં ત્યારે પડોશીનો દિકરો સુભાષ ઘર પાસે ફટાકડા ફોડતો હોઇ તેને દુર જઇને ફોડવાનું કહેતાં તે જતો રહ્યો હતો. એ પછી દેવરાજભાઇ, તેના પત્નિ અને પુત્રીએ આવી મોટા અવાજે દકારો કરી બહાર નીકળવાનું કહેતાં જગજીતભાઇ બહાર નીકળતાં આ બધાએ કેમ સુભાષને ફટાકડા ફોડવાની ના પાડો છો? તેમ કહેતાં જગજીતભાઇએ પોતાના ઘર પાસે ફોડવાની ના પાડી હતી તેમ કહેતાં ત્રણેય તૂટી પડ્યા હતાં અને પાઇપથી તથા ઢીકા-પાટુનો માર મારતાં તે પડી ગયા હતાં. દેકારો થતાં ઘરના સભ્યો અને બીજા લોકો ભેગા થઇ ગયા હતાં. પોલીસને જાણ કરતાં ગાડી આવી હતી. પરંતુ પડોશી જ હોઇ ફરિયાદ કરવાની ના પાડતાં ગાડી જતી રહી હતી. એ પછી ફરીથી દેવરાજભાઇએ આવી જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જગજીતભાઇને મારનો દુઃખાવો ઉપડતાં ગોકુલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં અને ફરિયાદ નોંધાવી હતી. એએસઆઇ એચ. એન. રાયજાદાએ ગુનો નોંધ્યો હતો.

(3:45 pm IST)