Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રામનાથપરામાં બેસતા વર્ષની સવારે ભુખ્યાને ભોજન આપવા આવતી રિક્ષાની ઠોકરે ચડી ગયેલા મણીબેન ભરવાડનું મોત

રાજકોટ તા. ૩૧: રામનાથપરા શેરી ભવાનીનગરમાં મહાદેવના મંદિર નજીક રહેતાં મણીબેન ચનાભાઇ ખીંટ મકવાણા (ઉ.વ.૮૫) નામના ભરવાડ વૃધ્ધા નવા વર્ષની સવારે ઘર નજીક હતાં ત્યારે ભુખ્યાને ભોજન આપવા માટે દરરોજ આવતી આશ્રમની  રિક્ષાના ચાલકે રિક્ષા રિવર્સમાં લેતાં તેની ઠોકરે ચડી જતાં પડી જતાં ઇજા થઇ હતી. સારવાર દરમિયાન બુધવારે મણીબેને દમ તોડી દીધો હતો.

તેમને પ્રથમ સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં પગમાં ફ્રેકચર હોવાનું જણાવાતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં મૃત્યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં  બે પુત્ર અને બે પુત્રી છે. એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

એ-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ વી.એમ. ડોડીયાએ મૃતકના પુત્ર રામનાથપરા-૭/૬ના ખુણે રહેતાં કનુભાઇ ચનાભાઇ ખીંટ (ભરવાડ) (ઉ.૫૯)ની ફરિયાદ પરથી આશ્રમની રિક્ષાના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. ગરીબો-ભુખ્યા લોકોને ટિફિન પહોંચાડતી આ રિક્ષામાંથી જ મણીબેને ટિફિન લીધું હતું. એ પછી તે ઘર બહાર ઉભા હતાં ત્યારે ચાલકને તેની ખબર ન હોઇ રિક્ષા રિવર્સમાં લેતાં મણીબેનને ઠોકર લાગી ગઇ હતી. એ પછી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

રજામાં પણ નોકરી કરવી પડતાં રિન્કલે સ્પામાં ફિનાઇલ પીધી

કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે કવિ કલાપી ટાઉનશીપમાં રહેતી રિન્કલ સુનિલભાઇ રાઠોડ (દરજી) (ઉ.વ.૧૯)એ ભાઇબીજના દિવસે લીમડા ચોકમાં આવેલા દિપાલીબેન મહેતાના રિફ્રેશનેશ સ્પા સેન્ટરમાં લાદી સાફ કરવાની ફિનાઇલના ઘુંટડા ભરી લેતાં દિપાલીબેને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયાએ નિવેદન નોંધ્યું હતું. તેણીએ રજામાં પણ નોકરીએ આવવું પડ્યું હોઇ જેથી મનમાં દુઃખ થતાં આમ કર્યાનું જણાવ્યું હતું. આ સિવાય કોઇ તકલીફ ન હોવાનું કહ્યું હતું.

(3:44 pm IST)