Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રાજીવનગરમાંથી ૧૧ વર્ષનો મોત્તાસીર ભેદી રીતે ગૂમઃ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

નવા વર્ષની બપોરે બે વાગ્યે ઘરેથી રમવા માટે નીકળ્યા બાદ સાંજ સુધી પરત ન આવતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરાઇઃ મુળ બિહારનું મુસ્લિમ દંપતિ દિકરાને શોધવા આકુળ વ્યાકુળ

રાજકોટ તા. ૩૧: જામનગર રોડ પર બજરંગવાડી પાસે રાજીવનગર-૩ કવાર્ટર નં. ૨૮૫માં અફઝલભાઇના મકાનમાં રહેતાં મુળ બિહારના મહમદઅકબર મહમદવાસીક શેખ અને રહેમતીખાતુન શેખનો પુત્ર મોત્તાસીર શેખ (ઉ.વ.૧૧) ૨૮મીએ નવા વર્ષની બપોરે બે વાગ્યા આસપાસ ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા બાદ ભેદી રીતે ગાયબ થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

ગાંધીગ્રામ પોલીસે સગીર ગુમ થવાના કિસ્સામાં તાકીદે કાર્યવાહી કરી મહમદઅકબર શેખ (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે. મહમદઅકબર ઘરે બેઠા સાડી-ડ્રેસમાં હેન્ડવર્ક ડિઝાઇનનું કામ કરે છે. તેને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. જેમાં ગૂમ થયેલો મોત્તાસીર મદ્રેશામાં ભણવા જાય છે. તે ૨૯મીએ બપોરે ઘરેથી રમવા જવાનું કહીને ગયો હતો. સાંજ સુધી પાછો ન આવતાં તે જ્યાં રમવા જાય છે તે બજરંગવાડી સર્કલ તથા આસપાસમાં શોધખોળ કરી હતી. તેમજ તેની સાથે રમતાં છોકરાઓને પુછતાછ કરી હતી. પરંતુ કોઇ માહિતી મળી નહોતી. શોધખોળ બાદ ગઇકાલે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ સોમૈયા, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ સહિતે અપહરણનો ગુનો નોંધ્યો હતો. તસ્વીરમાં દેખાતો ટેણીયો જોવા મળે તો પીઆઇ ઓડેદરાને મો. ૯૮૨૫૦ ૯૬૩૩૯, પીએસઆઇ સોમૈયાને ૯૯૨૫૧ ૪૧૮૩૩ અથવા પોલીસ મથકમાં જાણ કરવા જણાવાયું છે. પોલીસે અનેક સીસીટીવી કેમેરા ચેક કર્યા છે. રેલ્વે સ્ટેશન બસ સ્ટેશને પણ કેમેરા જોયા છે પણ કયાંય દેખાયો નથી.

(3:28 pm IST)