Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વહેલી સવારે છાત્રોના રૂમમાં ઘુસી ૪ લેપટોપ-મોબાઇલ-રોકડની ચોરી કરનાર બે પકડાયા

ભકિતનગર પોલીસે આશાપુરાનગરના ગુલાબગીરી અને જંગલેશ્વરના વિવેકને પકડ્યાઃ ૬૭ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૩૧: કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે આવેલી હોસ્ટેલના અલગ-અલગ રૂમોમાંથી વહેલી સવારે છાત્રોના ચાર લેપટોપ, બે મોબાઇલ ફોન અને રોકડ રકમની ચોરીનો બનાવ બન્યો હતો. આ ગુનો ભકિતનગર પોલીસે ડિટેકટ કરી બે શખ્સો આશાપુરાનગર-૧૬માં રહેતાં ગુલાબગીરી રણછોડગીરી મેઘનાથી (ઉ.૩૫) તથા જંગલેશ્વર મેઇન રોડ પર શાળા નં. ૭૦ પાસે રહેતાં વિવેક બિરેન્દ્રસિંગ ચોૈહાણ (ઉ.૩૧)ને પકડી લીધા છે.

ભકિતનગર પોલીસની ટીમ સુરક્ષા એપ્લીકેશનમાં ટપોરી, બુટલેગર, હિસ્ટ્રીશીટર અને એમસીઆર ચેક કરવાની કામગીરીમાં હતાં ત્યારે હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયાને બાતમી મળી હતી કે એમસીઆર ગુલાબગીરી પાસે ચોરાઉ લેપટોપ છે. તેના આધારે ગુલાબગીરી અને અગાઉ ચોરીમાં પકડાઇ ચુકેલા તેના મિત્ર વિવેકને સકંજામાં લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ચાર લેપટોપ, બે મોબાઇલ અને ૪ હજારની રોકડ કાઢી આપી હતી. આ મુદ્દામાલ બંનેએ સાત દિવસ પહેલા કાલાવડ રોડ પર હોસ્ટેલના રૂમોમાંથી ચોરી કર્યાનું કબુલતાં બંનેની અટકાયત કરી ૬૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ બંને વહેલી સવારે હોસ્ટેલ આસપાસ ચક્કર લગાવતાં હતાં અને જે વિદ્યાર્થી રૂમ ખુલ્લા રાખી સુતા હોઇ તેમાં ઘુસી જઇ ચોરી કરી લેતાં હતાં. મોજશોખ માટે ચોરીઓ કરતાં હોવાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડની સુચના હેઠળ પીઆઇ વી. કે.ગઢવી તથા ટીમના પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગમારા, પ્રતાપસિંહ રાણા, મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી, મનિષ શિરોડીયા, રવિરાજ પટગીર સહિતે આ કામગીરી કરી હતી.

(3:28 pm IST)