Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વય સાથે ભાગવતજીના સિધ્ધાંતો વર્ણવતા ડો.કૃષ્ણકુમાર

સિલ્વરનેસ્ટ સોસાયટીમાં ભાગવત કથાનો પ્રારંભઃ રામજન્મ, કૃષ્ણ જન્મ સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવાશે

રાજકોટઃ શહેરમાં સંત કબીર રોડ પર રાજકોટ મ્યુ.કોર્પોરેશનના બિલ્ડીંગની સામે પુજિત રૂપાણી ટ્રસ્ટની પાસે સિલ્વરનેસ્ટ સોસાયટીમાં સ્વ.જેરામભાઈ તુલસીભાઈ નાવિયાણી પરિવારના યજમાનપદે કારતક માસમાં તા.૩૦ ઓકટોબરથી તા.૬નવેમ્બર પર્યંત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું પાવન આયોજન થયું છે.

જેમાં વકતા તરીકે સેવા સંસ્થા ગીતા વિદ્યાલયના સંચાલક ભાગવતાચાર્ય ડો.કૃષ્ણકુમાર મનહરલાલજી મહારાજ રસપ્રદ સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે તથા બોધદાયી દ્રષ્ટાંતો, વિજ્ઞાન અને અધ્યાત્મ, ભુણહત્યા, પર્યાવરણ, કન્યાકેળવણી, રાષ્ટ્રપ્રેમ, દહેજપ્રથા, વ્યસનમુકિત, વાચનટેવ વગેરેને આવરી લઈને લોકજાગૃતિનું કર્તવ્ય નિભાવશે. કથાશ્રવણનો સમય પ્રતિદિન સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૭નો રહેશે. યજમાન પરિવારના હરીભાઈ, મનહરભાઈ, અતુલભાઈ, અરૂણભાઈ, દીપકભાઈ નાવિયાણી વગેરે સદસ્યો પૂજાવિધિ તથા આરતીનો ધર્મલાભ લેશે.

ગઈકાલે પોથીયાત્રા નિકળી હતી. કથામાં તા.૧ના રોજ સતી ચરિત્ર, તા.૨ના રોજ નૃસિંહ પ્રાકટય, તા.૩ના રોજ વામન જન્મ, રામજન્મ, વેશભૂષા સાથે કૃષ્ણજન્મ, ભવ્ય નંદમહોત્સવ, તા.૪ના રોજ ગિરીરાજ ઉત્સવ, અન્નકૂટ દર્શન, ગોપીગીત, તા.૫ના રોજ સુદામા ચરિત્ર, રૂકિમણી વિવાહ વગેરે પ્રસંગો ભકિતભાવપૂર્વક ઉજવાશે. તા.૬ ઓકટોબરને બુધવારે કથાની પૂર્ણાહૂતિ થશે.

આ કથાની વિશેષતા એ છે કે એક પી.એચ.ડી. અધ્યાપક વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય કરીને ભાગવતજીના સિદ્ધાંતો અને રહસ્યોની સરળ ભાષામાં સમજુતી આપશે. તેમજ લોકશિક્ષણનો સંદેશો ફેલાવશે. સર્વે ભાવિકોને કથાશ્રવણ માટે નાવિયાણી પરિવારે અનુરોધ કરેલ છે.

(3:27 pm IST)