Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ફાકી-સિગારેટ લીધા બાદ વેપારી વિક્રમ કક્કડે પૈસા માંગતા પાંચ શખ્સોની ગૂંડાગીરીઃ ખૂનની અને દૂકાન સળગાવી દેવાની ધમકી

ગોંડલ રોડ પર સાધના પાન એન્ડ કોલ્ડ્રીંકસમાં બનાવઃ દિવ્યરાજસિંહ ઝાલા, પરાગ સોલંકી, કિશન મકવાણા, અલ્પેશ ઝરીયા અને હાર્દિક સોલંકીએ સોડા બોટલોના ઘા કરી પાણીના જગ ઢોળી નાંખ્યાઃ દિવ્યરાજસિંહની વેપારી યુવાન, તેના પિતા અને ભાઇ સામે વળતી ફરિયાદ : એ-ડિવીઝન પોલીસે પાંચને પકડ્યા

જ્યાં ધમાલ મચાવાઇ હતી તે દૂકાન, ધબધબાટીના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો અને પકડાયેલા પાંચ શખ્સો જોઇ શકાય છે

રાજકોટ તા. ૩૧: ભાઇબીજની રાતે ગોંડલ રોડ સૂર્યકાંત હોટેલ પાસે પાન-કોલ્ડ્રીંકસની દૂકાને આવેલા પાંચ શખ્સોએ ફાકી-સિગારેટ લીધા બાદ પૈસા દીધા વગર ચાલતી પકડતાં વેપારી લોહાણા યુવાને પૈસા માંગતા આ પાંચેયએ ધમાલ મચાવી વેપારી યુવાનને માર મારી પાણીના જગ ઢોળી નાંખી તેમજ સોડા બોટલોના ઘા કરી આતંક મચાવી જો પૈસા માંગીશ તો જાનથી મારી નાંખશું...દૂકાન સળગાવી દઇશું...તેવી ધમકી આપતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. સામા પક્ષે દરબાર યુવાને પણ વેપારી યુવાન, તેના પિતા અને ભાઇ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. પોલીસે પાંચની ધરપકડ કરી છે.

પોલીસે મિલપરા ૧૮/૨૫ના ખુણે સંત કૃપા ખાતે રહેતાં અને ગોંડલ રોડ સૂર્યકાંત હોટેલ પાસે વિજય પ્લોટ-૧ના ખુણે સાધના રેસ્ટોરન્ટ અને સાધના પાન એન્ડ કોલ્ડ્રીંકસના નામે ધંધો કરતાં વિક્રમ પ્રતાપભાઇ કકકડ (ઉ.૩૦) નામના લોહાણા યુવાનની ફરિયાદ પરથી વિજય પ્લોટ-૯માં રહેતાં દિવ્યરાજસિંહ દિલીપસિંહ ઝાલા, પરાગ ભરતભાઇ સોલંકી, કિશન લધુભાઇ મકવાણા, અલ્પેશ અરવિંદભાઇ ઝરીયા અને હાર્દિક પ્રવિણભાઇ સોલંકી સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨), ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

વિક્રમે જણાવ્યા મુજબ પોતે, પિતાજી અને નાનો ભાઇ હિરેન રેસ્ટોરન્ટ સંભાળે છે અને બાજુની પાનની દૂકાનમાં મોટા ભાઇ કમલેશભાઇ બેસે છે. બુધવારે કમલેશભાઇ અમદાવાદ ગયા હોઇ તેની દૂકાને પોતે બેઠો હતો. તે વખતે દિવ્યરાજસિંહ, પરાગ, કિશન, અલ્પેશ અને હાર્દિક આવ્યા હતાં. તે અવાર-નવાર દૂકાને આવતાં હોઇ જેથી પોતે તેને ઓળખે છે. બે ફાકી બંધાવી એક ફોરસ્કવેર સિગારેટ લીધી હતી. ફાકી-સિગારેટ લઇને ચાલતાં થતાં પૈસા માંગતા પાંચેય ઉશ્કેરાઇ ગયા હતાં અને ગાળો દઇ પાણીના ત્રણ જગ ઢોળી નાંખ્યા હતાં. તેમજ પાનની દૂકાનમાંથી સોડા બોટલોનું ગાલુ લઇ તેમાંથી બાટલીઓ ઉપાડી ઘા કરવા માંડ્યા હતાં. 

રેસ્ટોરન્ટમાં બોટલોના આડેધડ ઘા થતાં દૂકાન બંધ કરી દીધી હતી. પોતે દૂકાન અંદર હોઇ બહારથી પાંચેયએ દેકારો મચાવી ગાળો દેવાનું ચાલુ રાખ્યું હતું તેમજ બંધ શટર ઉપર સોડા બોટલોના ઘા ફટકારી જો અમારી પાસે હવે પછી પૈસા માંગીશ તો જાનથી પતાવી દઇશું...દૂકાન સળગાવી દઇશું..તેવા હાકલા પડકારા કરી આતંક મચાવ્યો હતો. ત્યાં વિક્રમના પિતાજી આવી જતાં પાંચેય જણા ભાગી ગયા હતાં. ફાકી-સિગારેટના પૈસા માંગતા ન ગમતાં આ શખ્સોએ ગૂંડાગીરી આચરી હુમલો કરી ધમકી દઇ તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. 

સામા પક્ષે વિજય પ્લોટ-૯માં રહેતાં અને અભ્યાસ કરતાં દિવ્યરાજસિંહ દિલીપસિંહ ઝાલા (ઉ.૧૯) નામના યુવાને વિક્રમ કક્કડ, તેના પિતા પ્રતાપભાઇ અને ભાઇ હિરેન સામે ફરિયાદ કરી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ભાઇ બીજની રાતે દસેક વાગ્યે પોતે તથા મિત્રો કિશન, પરાગ બાઇક નં. જીજે૩જેએમ-૨૯૨૯ લઇને સાધના પાન નામની દૂકાને ફાકી લેવા ગયા હતાં. ત્યારે ત્યાં વિક્રમ કક્કડ બેઠો હતો. તેને ફાકી બનાવવાનું કહેતાં તેણે પહેલા પૈસા આપો પછી ફાકી આપીશ તેમ કહ્યું હતું. આથી તેણે વસ્તુ તો આપો, પૈસા આપીએ જ છીએ તેમ કહેતાં વિક્રમે ઉશ્કેરાઇ જઇ દૂકાનમાંથી બહાર આવી જેમ તેમ બોલી ગાળો બોલતાં તેને ગાળો દેવાની ના પાડતાં પોતાને એક ઝાપટ મારી દીધી હતી અને શર્ટ ફાડી નાંખ્યો હતો. તેમજ ઝપાઝપી કરી હતી.

ત્યાં વિક્રમના પિતા અને ભાઇ પણ આવી ગયા હતાં અને તેણે પણ પોતાને તથા મિત્રો પરાગ, કિશનને ઢીકા-પાટુનો માર માર્યો હતો. ઝપાઝપી થતાં સોડા બોટલનું ગાલુ પડતાં બોટલો ફુટી ગઇ હતી. તેમ વધુમાં દિવ્યરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું. પીએસઆઇ એ. જી. અંબાસણા અને વિજયભાઇ બાલસે બંને ફરિયાદ નોંધી હતી.

પોલીસે દિવ્યરાજસિંહ ઝાલા સહિત પાંચની ધરપકડ કરી છે. પીએસઆઇ એસ.વી. સાખરા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, મેરૂભા ઝાલા, નરેશભાઇ, જગદીશભાઇ, મોૈલિકભાઇએ આરોપીઓને શોધી કાઢ્યા હતાં.

(3:41 pm IST)