News of Thursday, 31st October 2019
રાજકોટ તા. ૩૧: અઢી વર્ષ પહેલા ગોંડલ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ખોડિયારનગરમાં મકાનના ડખ્ખામાં પ્રેમિકાને મદદ કરવા માટે પ્રેમી મુળ કાલાવડના બામણગામના દિનેશ બોઘાભાઇ ગીણોયા (ઉ.વ.૫૦) નામના મુળ પટેલ શખ્સે દેશી ટાઇમ બોમ્બ બનાવી પ્રેમિકાના પડોશીના ઘર પાસે મુકી દીધો હતો. સદ્દનસિબે બોમ્બ ન ફૂટતા મોટી જાનહાની અટકી હતી. આ મામલે અગાઉ એક મહિલા, તેના પુત્ર અને બોમ્બની સામગ્રી વેંચનાર સહિત ત્રણને પોલીસે પકડ્યા હતાં. પરંતુ બોમ્બ બનાવીને પ્રેમિકાને જેની સાથે માથાકુટ હતી તેના ઘર પાસે મુકી જવા સુધીનો મુખ્ય રોલ ભજવનારો દિનેશ હાથમાં આવ્યો નહોતો. તેને કાળી ચોૈદશની સાંજે શહેર એસઓજીના પીએસઆઇ એચ.એમ. રાણાની ટીમના બ્રિજરાજસિંહ ઝાલા, મોહિતસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજાની બાતમી પરથી મોરબી રોડ રતનપરથી પકડી લેવાયો હતો. આ શખ્સના ૪થી તારીખ સુધી રિમાન્ડ હોઇ વિશેષ તપાસ થઇ રહી છે. તે ફરાર રહ્યો એ દરમિયાન રાજસ્થાનના બિકાનેરમાં નામ બદલીને સેનેટરી ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો.
૧૪ ફેબ્રુઆરી-૨૦૧૭માં ગુનો નોંધાયો એ પછી તે સમયે પોલીસે પ્રવિણ ઉર્ફ પવો ધીરૂભાઇ સોલંકી (ઉ.૨૮-રહે. કનેસરા તા. જસદણ), જયદિપસિંહ કિશોરસિંહ જાડેજા (જે રેકર્ડમાં જયદિપસિંહ દિનેશ બોઘાભાઇ ગીણોયા લખાવે છે તે (ઉ.૨૩) રહે. કનેસરા તા. જસદણ, બનાવ વખતે ખોડિયારપરા-૯/૭, એસટી વર્કશોપ પાછળ) તથા રંજન ઉર્ફ અંજુ જીવાભાઇ રાઠોડ (દિનેશ ગીણોયાની પત્નિ) (ઉ.૪૦-રહે. ખોડિયારનગર રાજકોટ, મુળ ગજડી કોયલી તા. જોડીયા તથા ગુનામાં વપરોયલો દારૂ ગોળો વેંચનાર ચંદુ લક્ષમણભાઇ વાઘાણી (કોળી) (ઉ.૩૮-રહે. કુંદણી રોડ, કમળાપુર જસદણ)ની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારથી દિનેશ ગીણોયા ફરાર હતો. તે કાલાવડ આવ્યાની બાતમી મળતાં એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા, વિજયભાઇ શુકલા, હરદેવસિંહ વાળા સહિતની ટીમે પકડી લીધો હતો.
દિનેશ છેલ્લા અઢી વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તે પોતાની પાસે મોબાઇલ ફોન રાખતો જ ન હોઇ જેથી પોલીસ લોકેશન શોધી શકતી નહોતી. બોમ્બ મુકયો ત્યારે તે કી-પેઇડ મોબાઇલ વાપરતો હતો અને બોમ્બ મુકયા પછી મોબાઇલ ફોન પણ ત્યાં જ મુકીને ભાગી ગયો હતો. બાર દિવસની મથામણને અંતે તેણે આ બોમ્બ બનાવ્યો હતો. બોમ્બ બનાવવામાં ઘડીયાળ, વાયર સહિતનો ઉપયોગ કર્યો હતો. જે તે વખતે ખોડિયારનગરમાં રહેતાં દલપત વ્યાસ નામના યુવાનના ઘર પાસે બોમ્બ મુકાયો હતો. દલપતના પરિવારને પડોશમાં રહેતી દિનેશની પ્રેમિકા કમ પત્નિ રંજન ઉર્ફ અંજુ સાથે ઝઘડો થયો હોઇ જેનો ખાર રાખી રંજનના કહેવાથી દિનેશે આ બોમ્બ બનાવીને મુકયો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના હેઠળ આ કાર્યવાહી થઇ હતી.
દિનેશે એવું રટણ કર્યુ છે કે પોતે નામ બદલીને બીકાનેરમાં રહેતો હતો. પોલીસ તેની ખરાઇ કરવા અને બીજા પુરાવા મેળવવા એ તરફ તપાસનો દોર લંબાવશે તેમજ મોરબીમાંથી ઘડીયાળ સહિતના પાર્ટ લીધા હોઇ ત્યાં પણ તપાસ થશે. પોતે ઇલેકટ્રીક કામ જાણતો હોઇ અને લાલ ટોટાના દારૂને સ્પાર્ક મળવાથી મોટો ધમાકો થઇ શકે તેવું જાણતો હોઇ જાતે જ બોમ્બ બનાવ્યો હતો.
પોલીસ આ અંગે પણ ખરાઇ કરી રહી છે. આ કામગીરી બદલ એટીએસ દ્વારા પણ એસઓજી ટીમને અભિનંદન મળ્યા છે.