Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ કરીને નરેન્દ્રભાઇએ સરદાર સાહેબને અવિસ્મરણીય અંજલી અર્પી છે

સરદાર પટેલની ૧૪૪ મી જન્મ જયંતિએ રાજુભાઈ ધ્રુવની અનોખી ભાવવંદના

રાજકોટ તા. ૩૧ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ નિમિતે રાજુભાઈ ધ્રુવે સરદાર સાહેબનું સ્મરણ કરતા જણાવ્યું કે ૩૧મી ઓકટોબર એટલે ભારતનાં ઘડવૈયા સરદાર વલ્લભભાઈની જન્મજયંતી. આજનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એક અને અખંડ ભારતના શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર રાજનેતા, આઝાદીની લડતનાં કોઈ સેનાપતિ કે ભૂતપૂર્વ ગૃહમંત્રી જ નથી તેઓ આ દેશનાં અતીત, વર્તમાન અને ભવિષ્ય છે. સરદાર સાહેબ વિના એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના કરવી શકય જ નથી.

દેશના ભાગલા પડયા ત્યારે સરદાર પટેલે આગવી સૂઝ-બૂઝ અને રાજકીય કૂનેહ દ્વારા ૫૬૩ રજવાડાંઓનું વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યુ અને ભારતને મહાન રાષ્ટ્રનો ઘાટ આપ્યો હતો. સર સ્ટ્રેફર્ડ કિડ્સ અને લોર્ડ માઉન્ટ બેટને આગાહી કરી હતી કે ભારતનાં બધા રાજયોને એક સૂત્રમાં જોડતા ઓછામાં ઓછા પંદર વર્ષ તો લાગશે. સરદાર પટેલે તે કામ પંદર મહિનાથી ઓછા સમયમાં કર્યુ. ભારતનાં પાંચ હજાર વર્ષનાં ઈતિહાસમાં કયારેય ન હોય એવડા મોટા-મહાન રાષ્ટ્ર ભારતની સરદાર પટેલે સ્થાપના કરી ઈતિહાસ સર્જયો છે.

ભારતીય જનતા પાર્ટી સદૈવ સાચા રાજપુરૂષોનું સન્માન કરવામાં આગળ રહી છે. એ પછી સરદાર સાહેબ હોય, સુભાષચંદ્ર બોઝ હોય કે વીર સાવરકર હોય. જાણકારોને ખ્યાલ જ હશે કે સરદાર પટેલને ભારત રત્ન વડે સન્માનિત કરવાનો સૌપ્રથમ આગ્રહ પૂર્વકનો પ્રયત્ન અટલ બિહારી બાજપાઈજીએ જ કરેલો અને તત્કાલિન વડાપ્રધાન ચંદ્રશેખરે અટલજીના આગ્રહને માન આપીને સરદાર સાહેબને મરણોતર ભારત રત્ન ખિતાબ અર્પણ કર્યો હતો. પરંતુ અફસોસ કે, ભારતની પ્રજાને વિશ્વની સૌથી મોટી સંસદીય લોકશાહી તરીકે અખંડ ભારતની ભેટ ધરનાર સરદાર પટેલના અતુલ્ય યોગદાનની કોંગ્રેસ પાર્ટી અને તેની તમામ સરકારોએ હંમેશા ઉપેક્ષા જ કરી છે. જો જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષે સરદાર સાહેબની ઉપેક્ષા, અવગણના અને અવહેલના ન કરી હોત તો આજે ભારતે યુરોપના દેશો, જાપાન તેમજ દક્ષિણ કોરિયાથી પણ ઘણી વધુ પ્રગતિ કરી હોત અને કાશ્મીરના સળગતા પ્રશ્નનું અસ્તિત્વ જ રહ્યું ન હોત. આજે પણ કોંગ્રેસનાં કેટલાક વાંકદેખા નેતાઓને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નિર્માણમાં નાણાનો બગાડ દેખાય છે. જયારે હકિકત તો એ છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ બાદની સફળતાથી આપણે સૌ કોઈ પરિચિત છે.

દેશના લોખંડી રાજપુરુષ, ગુજરાતના મહાન સપૂત અને દેશને એક તાંતણે બાંધવાનું અનન્ય કાર્ય કરનાર દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર, વિશ્વની સૌથી મહાન પ્રતિભાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સાચા અર્થમાં તેમને અંજલી આપવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે.

આજે એ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ થઈ રહ્યું છે. ગત એક વર્ષમાં સરદાર સાહેબની પ્રતિભા અને પ્રતિમાનું કરોડો લોકોએ આત્મસાત કરી સરદાર સાહેબનાં જીવનમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવ્યું છે. માત્ર ગુજરાત જ નહીં પશ્ચિમ ભારતના મહત્વના પ્રવાસન સ્થળો તરીકે વિકસવા જઈ રહેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી' વિશ્વફલક પર સરદાર, નર્મદા અને ગુજરાતને ઓળખ અપાવી રહ્યા છે. આ પ્રોજેકટને કારણે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળ્યો છે. એવું જણાવતા રાજુભાઈ ધ્રુવે અંતમાં કહ્યું કે, ભારત એકતા અને એકાત્મતાની અનન્ય ભાવનાવાળું રાષ્ટ્ર બની રહે એ માટેના દ્રઢ આગ્રહી, અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબનો મજબૂત લોકશાહી રાષ્ટ્ર ભારતના સર્જનમાં સિંહફાળો છે. સરદાર વલ્લભભાઈ પટેલનાં પથચિન્હ પર ચાલીને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ભારતને મજબૂત લોકશાહી રાષ્ટ્ર બનાવી રહ્યાં છે.

(1:23 pm IST)