Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

નવા વર્ષની ખુશી માતમમાં પરિણમીઃ વિજકરંટથી શિવનગરની ૨૦ વર્ષની મમતા સોલંકીનું મોત

ભગવતીપરાના ત્રણ બહેનના એકના એક ભાઇ મેરૂભાઇ સોલંકીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૩૧: કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર-૨માં રહેતી મમતા કરસનભાઇ સોલંકી (ઉ.વ.૨૦)નું બેસતા વર્ષની સવારે દસેક વાગ્યા આસપાસ વિજકરંટ લાગતાં મોત નિપજતાં દેવીપૂજક પરિવારની તહેવારની ખુશી માતમમાં પરિણમી હતી.

મમતા સવારે પાણીની મોટર ચાલુ કરવા જતાં જોરદાર કરંટ લાગતાં ફેંકાઇ ગઇ હતી અને બેભાન થઇ ગઇ હતી. તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. આર. ચોટલીયા અને રાઇટર મહેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મમતા ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતી. સવારે પાણી ભરવા માટે લોખંડની ડેલી પાછળ આવેલી મોટર ચાલુ કરવા ગઇ ત્યારે આ બનાવ બન્યો હતો.

અન્ય બનાવમાં ભગવતીપરા-૧૯માં રહેતાં મેરૂભાઇ પ્રેમજીભાઇ સોલંકી (ખવાસ) (ઉ.વ.૪૦)ને બેસતા વર્ષની સવારે સાડા નવેક વાગ્યે ઘરે હતાં ત્યારે છાતીમાં દબાણ થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તે ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:41 am IST)