Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

બે ચિલઝડપ અને વાહન ચોરીનો ભેદ ઉકેલતી ગાંધીગ્રામ પોલીસઃ શિવપરાની ત્રિપૂટી પકડાઇ

આકાશ ઉર્ફ આકલો, વિરેન અને એક સગીરને પકડી લેવાયાઃ ૫૪ હજારનો મુદ્દામાલ કબ્જેઃ એક શખ્સ અગાઉ હત્યા-લૂંટમાં અને બીજો ચિલઝડપમાં સંડોવાયો હતો

રાજકોટ તા. ૩૧: રૈયા રોડ પર હનુમાન મઢી પાસે શિવપરામાં રહેતાં ભીલ અને રજપૂત શખ્સ તથા એક સગીરને ગાંધીગ્રામ પોલીસે બે ચિલઝડપ અને એક વાહનચોરીના ગુનામાં પકડી લીધા છે. આ ત્રણ પૈકી એક શખ્સ અગાઉ હત્યા, લૂંટ, ચિલઝડપમાં તથા બીજો શખ્સ પણ ચિલઝડપમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, કોન્સ. કનુભાઇ બસીયાને બાતમી મળતાં શિતલપ ાર્ક ચોકમાંથી શિવપરા-૯માં રહેતાં આકાશ ઉર્ફ આકલો ભગવાનજીભાઇ રાઠોડ (ભીલ) (ઉ.૨૧), શિવપરા-૩માં રહેતો વિરેન કિશોરભાઇ રવાણી (રજપૂત) (ઉ.૧૯) તથા એક સગીરને નંબર વગરના એકટીવા સાથે પકડી લીધા હતાં. આ વાહન ચોરાઉ હોવાની પાક્કી બાતમી હોઇ ત્રણેયની વિસ્તૃત પુછતાછ થતાં ચાર દિવસ પહેલા જ રૈયા રોડ જીવનપ્રભા સોસાયટીમાંથી એકટીવા ચોર્યાની કબુલાત આપી હતી.

આ ઉપરાંત શનિવારે લીંબુડીવાડી રોડ પર એક મહિલાના પર્સની ચિલઝડપ કર્યાનું અને એ હેલા રેસકોર્ષ રીંગ રોડ પર એક સાઇકલસ્વાર પાસેથી વિરેન અને આકાશે મોબાઇલ ફોનની ચિલઝડપ કરી લીધાનું કબુલ્યું હતું. પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર અંગે તેના વાલીને જાણ કરી હતી.

પોલીસે ૪૦ હજારનું એકટીવા, ૪ હજારનો મોબાઇલ તથા ૧૦ હજારનો બીજો આઇફોન, રોકડા ૫૦૦ મળી કુલ રૂ. ૫૪૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આકાશ ઉર્ફ આકલો અગાઉ હત્યા, લૂંટ, ચિલઝડપમાં અને વિરેન ચિલઝડપમાં પકડાઇ ચુકયો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ રાજદિપસિંહ જે. જાડેજા, હેડકોન્સ. રાહુલભાઇ, કોન્સ. કિશોરભાઇ ઘુઘલ, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, વિરભદ્રસિંહ ગોહિલ, શૈલેષભાઇ કગથરા, દિનેશભાઇ વહાણીયા, હિતેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(11:39 am IST)