Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ખેડૂત ખાતેદારોને વાવેતરના દાખલા સહેલાઈથી મળી શકશે

તાલુકા ભાજપના અગ્રણીઓની કલેકટરને સફળ : રજૂઆત દાખલાની કામગીરી કરવા મહેસુલી તલાટીઓને સૂચના

રાજકોટ, તા. ૩૧ :. તાલુકા ખેડૂત મંડળના બેનરથી તાલુકા ભાજપના ઘોઘુભા જાડેજા, વિજય દેસાઈ, ચેતન પાણ વગેરે અગ્રણીઓએ કરેલ રજૂઆતના પગલે કલેકટરે ખેડૂત ખાતેદારો માટેના વાવેતરના દાખલા સહેલાઈથી અપાવવા સૂચના આપી છે. આ અંગે ગઈકાલે નિવાસી અધિક કલેકટર પી.બી. પંડયાએ પરિપત્ર બહાર પાડયો છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે હાલમાં રાજ્ય સરકારશ્રી તરફથી ખરીફ માર્કેટીંગ સિઝન-૨૦૧૮-૧૯ અન્વયે મગફળીની ખરીદી અન્વયે નોંધણી પ્રક્રિયા તા. ૧-૧૧-૨૦૧૮થી હાથ ધરવામાં આવેલ છે. આ માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. તરફથી ખેડૂતોની નોંધણી અંગેનો સોફટવેર તૈયાર કરવામાં આવેલ છે, જેમાં નોંધણી અન્વયે ખેડૂત ખાતેદારના આધારકાર્ડ, ગામ નમૂના નં. ૭, ગામ નમૂના નં. ૧૨ (પહાણી પત્રક) તથા ગામ નમૂના નં. ૮-અની આવશ્યકતા રહે છે. ગામ નમૂના નં. ૧૨ (પહાણી પત્રક)ની ડેટા એન્ટ્રી ન થયેલ હોયત તેવા સંજોગોમાં ખેડૂતોને મગફળીની ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ચાલુ મહેસુલી વર્ષમાં સંબંધિત ખાતેદારને તેમની જમીનમાં થયેલ વાવેતર અંગેના દાખલા આપવાની કામગીરી સંબંધિત તાલુકા/સેજાના રેવન્યુ તલાટીઓએ કરવા તમામને સુચીત કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોને વાવેતરના દાખલા સહેલાઈથી મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા સંબંધિત પ્રાંત અધિકારી તથા સંબંધિત મામલતદારે સુનિશ્ચિત કરવાની રહેશે.

(11:37 am IST)