Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

પેન્સીલના સુક્ષ્મ ગણપતિજીનું સ્થાપન : પેન્સીલ-ચોક આર્ટીસ્ટ અભિજીત બારૈયાનું પ્રેરણાદાયી કાર્ય

પર્યાવરણને નુકશાન નહિં અને વિસર્જન પણ સરળઃ ઘરે દર્શને આવનાર ભાવિકોને પ્રસાદી રૂપે ચોક સ્ટીકના ગણેશજી આપશે

રાજકોટઃ તા.૩૧, વ્યકિતનો શોખ તેને કઇ દિશામાં લઇ જાય તે નકકી નથી હોતુ રાજકોટના સુક્ષ્મ આર્ટીસ્ટ (જીણી વસ્તુ બનાવતા) અભિજીત બટુકભાઇ બારૈયાએ શોખથી ચોક સ્ટીક ઉપર ગજાનનની મૂર્તિ બનાવવાનું શરૂ કરેલ.

ખુબ જ સામાન્ય કુટુંબના અભિજીતે સ્કુલમાંથી આ શોખને વિકસાવ્યો હતો. વધેલા ચોકના કટકા ઘરે લઇ જઇ નવરાશના સમયે તેમા ગણણતિજીની મૂર્તિ બનાવતા હતા. ધો.૧૦ સુધી ભણેલ અને રીક્ષા ચલાવી ગુજરાન કરતા અભિજીતે જણાવેલ કે માતાને ઘરે-ધરે કામ કરવા જતા જોઇ હું હોશીયાર હોવા છતા બોર્ડની પરીક્ષામાં જાણી જોઇને નાપાસ થયો અને ઘરમાં મદદરૂપ થવા લાગ્યો અભિજીતને પેઇન્ટીંગ-ફોટોગ્રાફીનો પણ શોખ છે. તેઓએ સ્ટુડીયો પણ કરેલ.

આ વખતે ગણપતિ સ્થાપનામાં કેમ ગણેશજીની નાની મુર્તિની સ્થાપના ન કરી શકાય ? તે વિચારથી જ અભિજીતે પેન્સીલ  ઉપર ઘરે સ્થાપના માટે મૂર્તિ બનાવી છે.તેમણે આ અંગે જણાવેલ કે  આનાથી પર્યાવરણમાં નુકશાન થતુ નથી. નાના માણસો પોતાની લાગણીને માર્યા વિના જ સ્થાપના કરી શકે છે. ઉપરાંત મારા જેવા સુક્ષ્મ આર્ટીસ્ટોની કદર થશે અને પ્રોત્સાહન પણ મળશે.

અભિજીતે માહિતી આપતા જણાવેલ કે રાજકોટમાં મારી બનાવેલ મૂર્તિથી નાની મૂર્તિની સ્થાપના નહિ હોય. આ ઉપરાંત તેઓ  તેમના નિવાસ સ્થાને ગણપતિજીના દર્શન કરવા આવનાર દરેક ભાવિકને ચોકમાં બનાવેલ ગણપતિજીની મુર્તિ પ્રસાદીરૂપે આપવાના છે. અભિજીત બારૈયા, લાખના બંગલા પાસે, બટુક મહારાજની ગૌશાળાની બાજુમાં ''ચામુંડા કૃપા'' ગાંધીગ્રામ (મો.૮૪૬૦૮ ૪૭૬૬૭)

(3:53 pm IST)