Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

રાજકોટ-સૌરાષ્ટ્રના અન્ય વેપારીઓ સાથે ઠગાઈ કરનાર પિતા-પુત્ર બેલડી પૈકી પુત્રની જામીન ઉપર છુટવાની અરજી નામંજૂર

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ સ્થિત ટી.એમ.ટી. સળીયાના વેપારમાં સંકળાયેલ રમેશચંદ્ર એન્ડ કંપની તથા ડીએનડી માર્કેટીંગના માલિક શ્રી નૈનેશભાઈ રતીલાલ દાવડા દ્વારા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં બરોડા સ્થિત આરઆર ટ્રેડીંગ કંપનીના નામથી પેઢી ચલાવતા રજનીકાંતભાઈ ઉર્ફે રાજુલાલ શાહ તથા તેના પુત્ર ઋષભ રજનીકાંત શાહ બંને રે. બરોડા વિરૂદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ તથા ૧૨૦(બી) હેઠળ રૂ.૧,૦૬,૪૧,૩૬૭/- જેવી માતબર રકમ ન ચૂકવીને છેતરપીંડી કર્યા અંગેની ફરીયાદ દાખલ કરેલ. જેમાં તેઓ જણાવેલ કે આ કામના બંને આરોપીઓ તેઓ સાથે પ્રથમ વ્યાપારીક સંબંધ કેળવી વિશ્વાસમાં લઈ અલગ અલગ સમયે ટીએમટી સળીયાનો ઓર્ડર આપેલ એન રકમ પણ ચૂકવી આપતા હતા. પરંતુ બાદમાં જાન્યુઆરી-૧૮ થી ફેબ્રુઆરીના માસ દરમિયાન અલગ અલગ તારીખે કુલ ૨,૨૨,૧૯૯ કિલોગ્રામ ટીએમટી સળીયાનો ઓર્ડર આપેલ જેની કુલ કિંમત રૂ.૧,૦૬,૪૧,૩૬૭/- જેવી માતબર રકમ લેવાની બાકી નીકળતી હોવાથી ઉઘરાણી કરવા જતા આવી રકમ ન ચૂકવીને આરોપી પિતા પુત્રએ છેતરપીંડી કર્યાનું અહેસાસ થયેલ. તેમજ બંને પિતા - પુત્ર વિરૂદ્ધ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં છેતરપીંડી બાબત ફરીયાદ દાખલ થયેલ છે તેવી હકીકતો પણ ફરીયાદીએ ફરીયાદમાં જણાવેલ.

સરકારપક્ષે વકીલ શ્રી એ.એસ.ગોગીયા દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે આ કામના આરોપીઓએ પ્રથમથી જ પૂર્વયોજીત કાવતરૂ કરી ઠગાઈ કરવાનો ઈરાદો ધરાવતા હતા અને તે રીતે અગાઉ માલ મેળવી તેની રકમ ચૂકવી ફરીયાદીનો વિશ્વાસ કેળવી અને એક કરોડ ઉપરાંતનો રકમનો માલ મેળવી તેની રકમ ન ચૂકવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી આચરેલ છે. તેવી જ રીતે આરોપીઓએ ભાવનગરના એક વેપારી સાથે આ જ રીતે માલસામાન મેળવી તેની રકમ ન ચૂકવતા કોર્ટ ફરીયાદ કરેલ છે. અરજદાર આરોપી પાસેથી હાલના ગુન્હા અન્વયે કોઈ જ રકમ રીકવર થયેલ નથી. તેમજ જો અરજદારને જામીન મુકત કરવામાં આવે તો અન્ય નાસતા ફરતા તેમના પિતાને ભગાડવામાં મદદગારી કરશે અને પુરાવા સાથે ચેડા કરે તેવી દહેશત જણાઈ આવે છે.

બંને પક્ષોની રજૂઆતો તેમજ કેસમાં પડેલ પુરાવાઓ વગેરે ધ્યાને લીધા બાદ ૧૦મા એડીશ્નલ સેશન જજ રાજકોટ દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે ફરીયાદ વચાણે લેતા અરજદાર આરોપીનું નામ ફરીયાદમાં પ્રથમથી જ આરોપી તરીકે દર્શાવવામાં આવેલ છે. તેમજ જાન્યુ.૨૦૧૮ તેમજ ફેબ્રુ.૨૦૧૮ના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે આપવામાં આવેલ ટીએમટી સળીયાના ઓર્ડર પૈકીની રકમ ન ચૂકવી ઓળવી જઈ વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ઠગાઈ કરી ગુન્હા આચરેલ હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવે છે તથા આ ગુન્હાના અન્ય આરોપી રજનીકાંત ઉર્ફે રાજુભાઈ કાંતિલાલ શાહને પકડવાના બાકી જણાય છે. મુદ્દામાલની રીકવર થયાનું જણાઈ આવતુ નથી. તેમજ હાલની તપાસ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહેલ છે. વધુમાં અરજદાર આરોપીનું પોલીસ સમક્ષનું નિવેદન વંચાણે લેતા જણાઈ આવે છે કે તેઓ તથા તેના પિતાએ આર.આર. કંપનીના નામથી વેપાર ચાલુ કરેલ અને તેમાં તેઓ ડીસ્ટ્રીબ્યુટર પાસેથી ટીએમટી સળીયા ખરીદ કરતા અને બિલ્ડરો પાસેથી સરકારી કોન્ટ્રાકટરોને આ સળીયાનું વેચાણ કરતા હતા તેઓ ટીએમટી સળીયા અમદાવાદ વડોદરા રાજકોટ તથા જૂનાગઢ ખાતેથી ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદ કરતા હતા તેવુ નિવેદનમાં જણાવેલ. તેમજ હાલના ફરીયાદી પેઢી પાસેથી આશરે ૨,૨૨,૦૦૦ કિલોગ્રામ સળીયા જેની એક કરોડ ઉપરાંતની કિંમત થાય છે. તે ખરીદ કરેલ અને તે સળીયા વડોદરા ખાતે સરકારી આવાસ યોજનાનું કામ રાખેલ કોન્ટ્રાકટરને વેચેલ હતા. જે કોન્ટ્રાકટર તેમને ટીએમટી સળીયાના પૈસા આપેલ નથી અને હાલ તેમની પાસે કોઈપણ પ્રકારની રોકડ રકમ કે ટીએમટી સળીયા નહિં હોવાનું જણાવેલ. આમ આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂ રચી એક જબરદસ્ત કૌભાંડ આચર્યાનું જણાઈ આવે છે. આમ કેસમાં હજુ તપાસ ચાલુ હોય હાલના અરજદાર ગુન્હામાં પ્રથમ દૃષ્ટિએ સંડોવણી જણાઈ આવે છે. જેથી અરજદાર આરોપીને જામીન મુકત કરી શકાય નહિં. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ. ગોગીયાએ રજૂઆત કરેલ.

(3:48 pm IST)