Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

પવિત્ર મનોભાવવાળાના ભીતરમાં ભગવાન અવશ્ય હોય : પૂ. પારસમુનિ

રાજકોટ, તા. ૩૧: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સાહેબે દાદાડુંગર ગુરૂ ઉપાશ્રય-ગોંડલમાં 'હમારા આભામંડલ' વિષય પર પ્રવચન ફરમાવતા જણાવેલ કે વિશ્વના સર્વજીવોનું પોતાનું એક ઇલેકટ્રોમેગ્નેટિક ફિલ્ડ હોય છે. જેને આભામંડલ, પ્રભામંડલ, ઓરા કહેવામાં આવે છે.

શૂન્યથી બે ઇંચ બિમાર વ્યકિતનું આભામંડલ હોય, ત્રણ ઇંચથી પાંચ ઇંચ સામાન્ય વ્યકિતનું આભામંડળ હોય, છ ઇંચથી બાર ઇંચ આધ્યાત્મિક વ્યકિતનું આભામંડલ હોય. બાર ઇંચથી અઢાર ઇંચ દિવ્યાત્મા, સાધકોનું, ઉચ્ચમુનિઓનું આભામંડલ હોય. અઢાર ઇંચથી ૪૦ મીટર દેવ-દેવી, તીર્થકર, ગણધરનું આભામંડલ ફેલાયેલ હોય છે. ચાવલ (ચોખા)નું સાડાચાર મીટર, ગોબર(છાણ-ગાયનું)નું પાંચ મીટર, પીપળાનું પંદર મીટર આભામંડલ હોય છે.

રંગ મન, વાણી, શરીર બધા પર પોતાનો પ્રભાવ અવશ્ય બતાવે છે. વાત રોગના દર્દીને લીલારંગ વચ્ચે રાખવાથી, પિત્તરોગના દર્દીને નીલા(બ્લુ) રંગ વચ્ચે રાખવાથી, કફરોગના દર્દીને લાલ રંગ વચ્ચે રાખવાથી તે પ્રકારના રોગ દૂર થાય છે. નીલો (બ્લુ) રંગ વધુ હોય તે વ્યકિત (જાડો) મોટાપાનો શિકાર બને છે. જેના શરીરમાં લાલ રંગ વધુ હોય તે દુબળો હોય છે. બંને રંગ બરાબર હોય તે વ્યકિત સામાન્ય રહે છે.

પ્રત્યેક જીવના જયારે જેવા પરિણામ હોય ત્યારે તેવા પ્રકારનું આભામંડલ નિર્માણ પામે છે. આછા લાલ રંગનું આભામંડલ : સંતુલિત સ્વભાવ, વિચારીને બોલવાવાળા, રમત-ગમતના ક્ષેત્રમાં સફળ થાય ઘાટો (ઘેરો) રેડ લાલ રંગનું આભામંડલ-ગુસ્સો, ગુસ્સાને કારણે ઘણુ બધું ખોઇ દે છે.

ગુલાબી રંગનું આભામંડલ :- પરિવારને સાથે લઇને ચાલવામાં માને છે, રોમેન્ટિક સ્વભાવના છે, તથા પાર્ટનર પ્રત્યે સાચા અને સમર્પિત હોય છે, ખાન-પાન રહેન-શહેન પ્રતયે વધારે જાગૃત હોય છે. બીજાની જરૂરત પ્રત્યે સંવેદનશીલ હોય છે. ગાયન-લેખન ક્ષેત્રમાં જાય તો સફળ થાય છે.

પીળા રંગનું આભામંડલ-ચતુર, બુદ્ધિમાન, શિક્ષક, વૈજ્ઞાનિક બને. મુશ્કેલ કામ બીજા પાસે કરાવવાની વૃતિ હોય, કામનો વધુ દબાવ તેને ડિપ્રેશનના રોગી બનાવે, કોઇના પણ ચહેરાને વાંચવાની ક્ષમતા ખૂબ વધુ હોય, બહુ સાવધાનીથી પોતાના મિત્ર બનાવે છે આસાનીથી કોઇ બેવકુફ નથી બનાવી શકતું તેની ભૂલ એ થાય છે કે પોતાની સામેની વ્યકિતને તુચ્છ સમજે છે.

લીલા રંગનું આભામંડલ :- વધારે ઇમોશનલ હોય, વધુ સમય સપના જોવામાં જ જાય છે. આ જો લેખક બને તો સફળતા વધુ મળે છે. રચનાત્મક ભાવનાવાળા આ વ્યકિત બધું વધુ સારૂ જોવા માંગે છે, તેના દિમાગમાં બિઝનેશના સારા સારા આઇડીયા આવતા રહે છે, તેના પર અમલ કરે તો સારા બિઝનેસમેન બની જાય છે.

ઓરેંજ (ભગવા) રંગનું આભામંડલ :- સામાજિક કાર્યમાં ધયાન વધુ આપે, કોઇ તેના પરધ્યાન આપે કે ન આપે પણ તે સામાજિક કાર્ય કરતા રહે છે. દયાળુ હોય છે, મોટા વ્યકિત બની જતા અભિમાન નથી થતા, ગુસ્સો બહુ ઓછો આવે છે, કોઇની ભુલને પણ તે જલ્દી માફ કરી દે છે.

નીલા રંગ (બ્લુરંગ)નું આભામંડલ :-બોલવામાં માહિર હોય, વાકપટુતા જબરદસ્ત હોય, પોતાના વિચારોને સમાજમાં રાખવાની ક્ષમતા રાખે છે. લેખક, વિક, રાજનીતિમાં જાય તો સફળતા મેળવે. કઠીનમાં કઠિન વિષય પર નિર્ણય લેવાની ક્ષમતા રાખે છે, ગુસ્સા પછી મનને જલ્દી શાંત કરી લે છે.

ગોંલ્ડન આભામંડલ :- સુંદરતાના પૂજારી, કલાત્મક ભાવના વાળા હોય છે, વ્યકિતત્વ આકર્ષક હોય છે. લોકો આકર્ષિત થાય છે, તે પોતાની આલોચના (નીંદા) ને સહન ન કરી શકે.

સિલ્વર આભામંડલ :- અસાધારણ સ્વભાવના હોય છે. પોતાની ક્ષમતાનો ઉપયોગ કેમ કરવો તે આનાથી વિશેષ કોઇ જાતું નથી. સાચા સમયે સાચો નિર્ણય લેવાની ક્ષમતા હોય છે. પ્રબળ ભાગ્યશાળી માનવામાં આવે છે.

ભગવાન મંદિરોમાં, ખુદા મસ્જિદોમાં હોય કે ન હોય, પણ નિર્મળ મનોભાવવાળા વ્યકિતના ભીતરમાં ભગવાન અવશ્ય હોય છે.

(11:29 am IST)