Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સરકાર ગરીબો, શોષિતો પીડિતો માટેઃ વિજયભાઇ

કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રીના હસ્તે અમરજીત નગરના રહેવાસીઓને સનદ, જુનીયર કલાર્કોને ઓર્ડર તથા કિટીપરાના લાભાર્થીઓને રિફંડના ચેક અર્પણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટ, તા.૩૧: મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨નાં અમરજીત નગરના રહેવાસીઓને સનદ અર્પણ વિધિ, કિટીપરાના રહેવાસીઓને રીફંડના ચેક અર્પણ, સેવાસેતુના જુદા જુદા લાભાર્થીઓને સહાય વિતરણ તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં પ્રથમ નિમણુંક પામનાર જુ.કલાર્કને નિમણુંક પત્ર એનાયતવિધિ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, જે લોકો પાસે પૈસા છે, લાગવગ છે તેવા લોકોના કામ ભુતકાળમાં થતા, પરંતુ હાલમાં અમારી સરકાર ગરીબો, શોષિતો, પીડિતો માટેની સરકાર છે. જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે,  રૂપિયો મોકલું તેનું સવા રૂપિયા જેટલું કામ થવું જોઈએ. ભૂતકાળની કોંગ્રેસ સરકાર વખતે નોકરી માટે કોઈનો ઝભ્ભો પકડવો પડતો કે દર દાગીના વેંચી રૂપિયા આપવા પડતા, જયારે આજે કોઈની પણ લાગવગ કે ઓળખાણ વિના, માત્ર મેરીટના આધારે નિમણુંક આપવામાં આવે છે.

વિશેષમાં મુખ્યમંત્રીએ જણાવેલ કે, કિટીપરામાં રહેતા દેવીપૂજક લોકોને ઝુપડપટ્ટીની જગ્યાએ પાક્કા મકાનો મળે તે માટે નવા આવાસો બનાવેલ. એમાં પણ લાભાર્થીઓએ રૂ.૫૦,૦૦૦ લાભાર્થી ફાળો આપવાનો થતો હતો પરંતુ આ બધા ગરીબ વર્ગના લોકો હોઈ રાજય સરકાર દ્વારા લાભાર્થી દીઠ રૂ.૪૫,૦૦૦ની સહાય  રાજકોટ મહાનગરપાલિકામાં જમા કરાવેલ છે. અને લાભાર્થીને ફકત રૂ.૫,૦૦૦માં જ તેમને સુવિધાપૂર્ણ આવાસ મળેલ છે.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, આજે અમરજીતનગરના લોકોને માલિકી હક આપવામાં આવેલ છે. રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ગરીબોની સતત ચિંતા કરી રહ્યા છે.  શહેરને અનેકવિધ સુવિધા તેમજ લોકોપયોગી પ્રોજેકટની ભેટ ધરેલ છે.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, આજના દિવસને ખરેખરો યોગ કહેવાય. કારણ કે, ૧૯૯૪માં  વિજયભાઈ રૂપાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા તેમજ ૧૯૯૬માં મેયર હતા તે સમયકાળમાં જ અમરજીતનગરમાં રહેતા લોકો માટે પ્લોટ ફાળવણીનો ઠરાવ  વિજયભાઈ રૂપાણીની સહીથી જ થયેલ અને આજે તેઓ મુખ્યમંત્રી છે ત્યારે એ જ અમરજીતનગરના રહેવાસીઓને સનદ આપીને માલિક બનાવેલ છે. મુખ્યમંત્રી રાજયની સાથે સાથે રાજકોટની પણ ખુબ ચિંતા કરે છે.

આ પ્રસંગે રાજકોટના મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ મ્યુનિસિપલ કમિશનર, જીલ્લા કલેકટર, પોલીસ કમિશનર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, અમરજીતનગરના આગેવાનો તેમજ છોટુનગર વિસ્તારના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું ફૂલહાર તથા મોમેન્ટોથી સ્વાગત કરેલ. આજે યોજાયેલ સેવાસેતુંમાં ૫૦૦ જેટલા લાભાર્થીઓએ રાજય સરકારની તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી સેવાઓનો લાભ લીધેલ છે તેમજ અમરજીતનગરના ૨૮૭ લાભાર્થીઓને મિલકત કાર્ડ ઉપરાંત કિટીપરાના ૨૪૨ લાભાર્થીઓને રિફંડના ચેક આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડિયાએ આભારવિધિ કરેલ.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસકપક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પ્લાનિંગ કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, વોર્ડ નં-૦૨ના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, મનીષભાઈ રાડીયા, તેમજ વોર્ડ નં-૦૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, જયસુખભાઈ પરમાર, તેમજ કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, ઉપરાંત અમરજીતનગર, છોટુનગર, તેમજ કિટીપરા વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)