Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ક્રેડીટ સોસાયટીને લોન પેટે આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને ૧ વર્ષની સજા

રાજકોટ, તા. ૩૧ :. રાજકોટની માં ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.ના લોનીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને ચેકની રકમનું વળતર ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

અત્રે રાજકોટની શ્રી માં ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. ઠે. શાસ્ત્રીનગર, નાનામવા મેઈન રોડ, બીજુ સર્કલ, શોપ નં. ૫૩, રાજકોટ-૫ વાળાએ રાજકોટવાળા ઉપરોકત સરનામે શરાફી મંડળી ચલાવે છે અને સભાસદોને ધીરાણ આપવાનું કામકાજ કરે છે. સભ્ય દરજ્જે આરોપી વિસર યાકુબભાઈ જુસબભાઈએ ફરીયાદી મંડળીમાંથી તા. ૮-૮-૨૦૧૬ના રોજ રૂ. ૭૫,૦૦૦નું ધિરાણ મેળવેલ. આરોપીએ સદરહું લોનના ચડત હપ્તાની રકમ ચુકવવા માટે ફરીયાદી મંડળીને વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી., કનક રોડ, શાખા રાજકોટનો ચેક રૂ. ૭૨૩૦૦નો આપેલ ફરીયાદી મંડળીએ સદરહું ચેક પોતાના ખાતામાં રજુ કરતા સદરહું ચેક 'ફન્ડસ ઈન્સફીસન્ટ'ના શેરા સાથે પરત ફરેલ હતો.

આથી ફરીયાદીએ આરોપીને રજી. એડી.થી નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતા આરોપીએ ફરીયાદી મંડળીની લેણી રકમ ચુકવેલ નહીં. રાજકોટના ચીફ જ્યુડીની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ ચાલી જતા આ કામે ફરીયાદી દ્વારા આરોપીને લોન અવેજ ચુકવી આપેલની હકીકત સાબિત થયેલ છે. જે ફરીયાદ પક્ષે પુરવાર કરેલ છે. આમ ફરીયાદીએ પોતાની પ્રાઈમ ડયુટી બજાવેલ છે અને કાયદેસરનું લેણું બાકી નીકળે છે તે સાબિત કરેલ છે અને તે પરત કરવા આરોપીએ સદરહું વાદગ્રસ્ત ચેક આપેલ છે. જેનું આરોપી તરફે ખંડન કરેલ નથી.

ફરીયાદીના વકીલશ્રીએ કેસ ચાલતા સમયે લેખીત દલીલ કરેલી કે હાલના આરોપીએ ગંભીર ગુનો કરેલ છે. ચેક રિટર્ન થવાના કિસ્સા વધી ગયા છે. સમાજમાં દાખલો બેસાડવો જરૂરી બની જાય જેથી આરોપીને કાયદા મુજબની મહત્તમ સજા કરવી જોઈએ અને વળતર અપાવવું જોઈએ. જેથી કોર્ટે હાલના કેસની હકીકતો અને સંજોગો લક્ષમાં લઈને તો આરોપી પોતે ઠરેલ વ્યકિત છે. રૂપિયા લીધા બાદ રકમ સામે ચેક આપવાની ગંભીરતા તેના ખ્યાલે હોવી જોઈએ, કેસ ચાલતા દરમ્યાન આરોપી તરફે ફરીયાદીને ચેકની રકમ ચુકવવામાં આવેલ નથી. આમ આરોપીઓની દાનત ફરીયાદીને પરત નહી આપવાનું જણાય છે. જેથી ચીફ જ્યુડી. મેજી.એ આ કામના આરોપીને એક વર્ષની સજા તેમજ રૂ. ૭૨૩૦૦ વળતર પેટે ફરીયાદીને ચુકવવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી માં ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. તરફે રાજકોટના ધારાશાસ્ત્રી રીતેષ એસ. કોટેચા રોકાયેલ છે.

(3:51 pm IST)