Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સેવાસેતુએ તંત્રને ધંધે લગાડ્યું : સોમવારે લાભાર્થીઓની સંખ્યા નહિ થાય તો...અધિકારીઓના જીવ ઉંચા થઇ ગયા !!

જીલ્લા-નગરપાલીકા વિસ્તારમાં પણ આજ સ્થિતિ : અમુક તાલુકામાં ઘરે-ઘરે ટીમો દોડી : અરે ઇસ્ટ ઝોનમાં તો સૂચિત વાળાને પણ બોલાવાયા : કલેકટરમાં સતત મીટીંગોનો દોર

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ શહેર જીલ્લામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં સોમવારે ઢગલાબંધ સેવાસેતુ એક જ દિવસમાં યોજાનાર છે, રાજકોટ શહેરમાં કલેકટર-કોર્પોરેશનની સેવાનો કુલ ૩ સ્થળે તો જીલ્લામાં દરેક તાલુકા મથકે એક અને નગરપાલીકા વિસ્તારમાં એક એમ સેવા સેતુ યોજાનાર છે, તેમાં પણ રાજકોટમાં મુખ્ય કાર્યક્રમ ડી.એચ.કોલેજ ખાતે યોજાયો છે. કલેકટરે આ સ્થળની ત્રણ વખતનો મુલાકાત લીધી છે, પરંતુ પક્ષ પ્રશ્ન હવે સામે આવીને ઉભો છે અને આજે આ બાબતે ડે. કલેકટર કક્ષાના મામલતદારો ચર્ચા કરતા હતા સોમવારે ત્રણેય સ્થળે અને ખાસ કરીને ડીએચ ખાતેના સ્થળે લાભાર્થીઓની સંખ્યા નહિ થાય તો શું કરવુ઼, અધિકારીઓના જીવ ઉંચા થઇ ગયા છે, દરેક મામલતદાર-પ્રાંત અને કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી રીપોર્ટ પણ મેળવાયો છે, અને જેમ બને તેમ સંખ્યા વધારવા છેલ્લી ઘડીની સૂચના અપાઇ છે.

સૂત્રોના કહેવા મુજબ ઇસ્ટ ઝોનમાં યોજાયેલ સેવાસેતુમાં તો સૂચિતમાં લાભાર્થીઓને પણ બોલાવાયા છે, અગાઉ જેમણે નાણા ભર્યા છે, તેમને હુકમો અપાશે. સેવાસેતુ સફળ થાય તથા કોઇપણ પ્રકારનો વિક્ષેપ ન આવે તે માટે કલેકટરમાં સતત મીટીંગોનો દોર ચાલી રહ્યો છે.

જીલ્લામાં દરેક તાલુકા-પાલીકા વિસ્તારમાં પણ આજ સ્થિતિ છે. અમુક તાલુકા અને ર થી ૩ નગરપાલિકામાં તો ઘરે-ઘરે ટીમો દોડી ગઇ છે અને સેવાનો લાભ લેવા અપીલ કરી રહી છે, સેવા સેતુએ તમામને ધંધે લગાડયા છે તે હકિકત છે. 

(3:20 pm IST)