Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજકોટના રૈયામાં હત્યાઃ જામનગર શાદીમાં જવા માટેના ડખ્ખામાં ફિરોઝભાઇ તાયાણીને પુત્ર ઇમરાને ધોકા ફટકારી પતાવી દીધા

આજે શનિવારે વહેલી સવારે ઇમરાન અને તેની પત્નિ સીમા રિક્ષા લઇ શાદી પ્રસંગમાં જવા નીકળવાના હતાં: રાતે પિતા ફિરોઝભાઇએ પોતાને પણ સાથે લઇ જવાનું કહી માથાકુટ કરતાં પિતા-પુત્ર વચ્ચે થયેલી મારામારી જીવલેણ નિવડીઃ ઇમરાન પણ ઘાયલ થયોઃ રાતોરાત યુનિવર્સિટી પોલીસે સકંજામાં લીધો : હત્યાનો ભોગ બનનાર ફિરોઝભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં: તેમના પત્નિ હમીદાબેનની ફરિયાદ પરથી પુત્ર ઇમરાન સામે ગુનોઃ હમીદાબેન ભીલવાસમાં મોટા દિકરા સાથે રહે છેઃ મોડી રાતની મારામારીની ઘટના વહેલી સવારે ૫૫ વર્ષિય ફિરોઝભાઇના મોત સાથે હત્યામાં પરિણમતાં પરિવારમાં માતમ

પુત્રના હાથે જેમની હત્યા થઇ ગઇ તે ફિરોઝભાઇ તાયાણીનો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો, પોસ્ટ મોર્ટમ રૂમમાં કાર્યવાહી કરી રહેલા યુનિવર્સિટી પોલીસ મથકના સાજીદભાઇ ખિરાણી, લક્ષમણભાઇ મકવાણા, અનુજભાઇ ડાંગર તથા છેલ્લી તસ્વીરમાં શોકમય સ્વજનો નજરે પડે છે.

રાજકોટ તા. ૩૧: રૈયા ગામમાં રહેતાં સુમરા મુસ્લિમ પ્રોૈઢને આજે શનિવારે વહેલી સવારે જામનગર લગ્ન-શાદી પ્રસંગમાં જઇ રહેલા પુત્ર-પુત્રવધૂની સાથે જવું હોઇ આ મામલે ગત રાતે પુત્ર સાથે ચડભડ ચાલુ કરતાં પુત્રએ તેમને સાથે લઇ જવાની ના પાડતાં બંને વચ્ચે થયેલી મારામારીમાં પુત્રએ ધોકાના ઘા માથા-હાથમાં ફટકારી દેતાં પિતાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમણે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં યુનિવર્સિટી પોલીસે રાતે જ આરોપી પુત્રને સકંજામાં લઇ લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ રૈયા ગામમાં રહેતાં ફિરોઝભાઇ હાજીભાઇ તાયાણી (સુમરા) (ઉ.વ.૫૫) તથા પુત્ર ઇમરાન ફિરોઝભાઇ તાયાણી (ઉ.વ.૩૩) રાતે સાડા બારેક વાગ્યે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે પહોંચતા બંનેને સારવાર માટે દાખલ કરાયા હતાં. બંનેએ એક બીજા સાથે મારામારી કર્યાનું જણાવાયું હતું. જેમાં ફિરોઝભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચી હોઇ ઇમર્જન્સી વોર્ડમાં અને પુત્ર ઇમરાનને સર્જીકલ વોર્ડમાં દાખલ કરાયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ  મથકના સાજીદભાઇ ખેરાણી, લક્ષમણભાઇ, અનુજભાઇ સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. ગંભીર રીતે ઘાયલ ફિરોઝભાઇ ભાનમાં ન હોઇ પોલીસે તેમના પત્નિ ભીલવાસ શેરી નં. ૪માં મોટા અન્ય દિકરા ફરિદભાઇ સાથે રહેતાં હમીદાબેન ફિરોઝભાઇ તાયાણી (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી દિકરા ઇમરાન સામે આઇપીસી ૩૨૬, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. ઇમરાનને વધુ ઇજા ન હોઇ રાતે જ પોલીસે સકંજામાં લઇ લીધો હતો.

બીજી તરફ સારવારમાં રહેલા પિતા ફિરોઝભાઇ તાયાણીએ વહેલી સવારે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા, ગિરીરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા સહિતે કલમ ૩૦૨નો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ માહિતી મુજબ હત્યાનો ભોગ બનેલા ફિરોઝભાઇ ભઠ્ઠીમાં કામ કરતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર ઇમરાન અને સમીર તથા એક દિકરી સીમા છે. પોતે મોટા દિકરા ઇમરાન સાથે રૈયા ગામે રહેતાં હતાં. તેના પત્નિ હમીદાબેન બીજા દિકરા સાથે સદર બજાર ભીલવાસમાં રહે છે. ફિરોઝભાઇના માસીના દિકરાની દિકરીના આજે જામનગર ખાતે લગ્ન-શાદી હોઇ તેમાં હાજરી આપવા ઇમરાન અને તેની પત્નિ અંજુમ આજે શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યે જવાના હતાં.

શુક્રવારે રાતે આ બાબતે ઇમરાને પિતા સાથે વાત કરી હતી. જેથી પિતા ફિરોઝભાઇએ પોતાને પણ શાદીમાં સાથે આવવું છે તેમ કહેતાં પુત્ર ઇમરાને તમારે નશો કરવાની આદત હોઇ તમારે ત્યાં ન અવાય તેમ કહેતાં બંને વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં ફિરોઝભાઇએ પુત્ર ઇમરાનને મારકુટ કરી લેતાં ઇમરાનને પણ ભારે ગુસ્સો ચડ્યો હતો અને તે ધોકાથી તૂટી પડ્યો હતો. જેમાં પિતા ફિરોઝભાઇને ગંભીર ઇજા પહોંચી હતી અને આ ઇજા જીવલેણ નીવડી હતી.

હત્યાની ઘટનાથી તાયાણી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હત્યા કરનાર ઇમરાનને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક પાંચ વર્ષનો અને એક ત્રણ વર્ષનો છે. ઇમરાનનો ઇરાદો પિતાની હત્યા કરવાનો નહોતો. પરંતુ ગુસ્સામાં થયેલી મારામારીને કારણે આ ઘટના બની ગયાનું સ્વજનોએ કહ્યું હતું.

ઇમરાનને આજે શાદીમાં હાજરી આપવાની હતી પણ લોકઅપમાં પહોંચવું પડ્યું

. પિતાની હત્યામાં જેની ધરપકડ થઇ છે એ ઇમરાન તાયાણી રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. આજે શનિવારે સવારે તેને જામનગર શાદી પ્રસંગમાં જવાનું હતું. પરંતુ ત્યાં જવાના ડખ્ખામાં તેના હાથે પિતાની હત્યા થઇ જતાં લોકઅપમાં પહોંચવાની વેળા આવી હતી.

(11:52 am IST)