Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ઘરઆંગણેથી ટ્રાફીક નિયમનનો પાઠ શરૂ કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલઃ હેલ્મેટ વગરના રર પોલીસ કર્મચારીઓ દંડાયા

ટ્રાફીક પોઇન્ટ પર ફરજ ભુલી મોબાઇલમાં વ્યસ્ત રહેતા ટ્રાફીક બ્રિગેડને પાણીચું પકડાવ્યું : લોકો પોતાના વાહનો પાર્કીગ ઝોનમાં પાર્ક કરે, વનવેનું યોગ્ય રીતે પાલન કરે અને સાંકડી જગ્યાઓમાં મોટા વાહનો લઇ જવાનું ટાળે તે જરૂરીઃ ટ્રાફીક પોલીસ લોકો પાસેથી દંડ વસુલવા માટે નથી પરંતુ તેઓને નિયમન શીખવવા માટે છે

રાજકોટ, તા., ૩૧: શહેરની કાયદો વ્યવસ્થાની તાજેતરમાં ધુરા સંભાળનાર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તબક્કાવાર પગલાઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચાર્જ સંભાળતાઓની સાથે જ મહિલાઓની સલામતી, ટ્રાફીકની સમસ્યા અને ક્રાઇમ રેઇટ કાબુમાં રાખવાનો કોલ આપનાર શ્રી અગ્રવાલે ટ્રાફીક નિયમનની શરૂઆત ઘરઆંગણેથી કરી છે. પોલીસ કમિશ્નર કચેરીમાં જ આડેધડ વાહનો પાર્ક કરતા કર્મચારીઓની શાન ગઇકાલે ઠેકાણે લાવી દીધા બાદ બાઇક પર હેલ્મેટ ધારણ કર્યા વગર ફરતા રર પોલીસ કર્મચારીઓ પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી પણ આજે તેમના આદેશથી ટ્રાફીક એસીપી જે.કે.ઝાલાએ કરી હતી.

પોલીસ કમિશ્નર શ્રી અગ્રવાલનો આ બારામાં સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે ટ્રાફીક સમસ્યાનો ઉકેલ લાવવામાં પ્રજા જેટલો વધુમાં વધુ સહયોગ આપશે તેટલી પોલીસને સરળતા રહેશે. તમારા શહેરમાં રસ્તા પર સર્જાતા જામને નિવારવા વાહન ચાલકો પણ થોડી જાગૃતી દાખવે તો પરીણામો અલગ આવી શકે છે. લોકો પોતાના વાહનો પાર્કીગ ઝોનમાં પાર્ક કરે, વનવેનું યોગ્ય રીતે પાલન કરે અને સાંકળી જગ્યાઓમાં મોટા વાહનો લઇ જવાનું ટાળે તે જરૂરી છે. ટ્રાફીક પોલીસ લોકો પાસેથી દંડ વસુલવા માટે નથી પરંતુ તેઓને નિયમન શીખવવા માટે છે. પોલીસને દંડની રકમનો આંકડો ઉપર લઇ જવામાં લગીરેય રસ હોતો નથી. આ કાર્યવાહી માત્ર ને માત્ર બીજી વખત નિયમનો ભંગ કરતા અચકાવ તે માટે હોય છે માટે પબ્લીક પણ પોલીસને સાથ આપે તે અત્યંત જરૂરી છે.

દરમિયાન મોલના પાર્કીગમાં ચાર્જ વસુલાતો હોવાનો અને ફરજીયાત બહાર પાર્ક કરવા ફરજ પડાતી હોવાની તેમજ મોલ બહાર પાર્કીગ માટે ખાનગી વ્યવસ્થા સંચાલકો દ્વારા શા માટે ઉભી નથી કરાવાતી? તે મુદ્દે એસીપી જે.કે.ઝાલા દ્વારા મોલના સંચાલકોને પણ નોટીસ ફટકારવામાં આવી છે. તેમજ પાર્કીગની વ્યવસ્થા ગ્રાહકોને અનુરૂપ બનાવવા તાકીદ કરવામાં આવી છે. (૪.૧૨)

(3:36 pm IST)