Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

દિલીપ ત્રિવેદીએ પોલીસ મથકમાં ફિનાઇલ પી લીધાના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે ગુનો

૨૧૦૩માં ભાગીદારીમાં હોટેલ કરતાં વ્યાજે નાણા લીધા'તાઃ જેટલા લીધા'તા એટલા ચુકવી દીધા છતાં ધમકીઃ કૈલાસ રાજપુરોહિત, જબ્બર રાજપુરોહિત અને અશ્વિન શાહ સામે ભકિતનગર પોલીસે એફઆઇઆર દાખલ કરી

રાજકોટ તા. ૩૧: કોઠારીયા રોડ નિલકંઠ ટોકિઝ પાછળ મેહુલનગર-૬માં રહેતાં અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતાં દિલીપ મહેશભાઇ ત્રિવેદી (ઉ.૩૫) નામના બ્રાહ્મણ યુવાને સાંજે સાડા પાંચેક વાગ્યે ભકિતનગર પોલીસ મથકમાં જઇ ફિનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્રણ શખ્સો દ્વારા વ્યાજ માટે ધમકી અપાતી હોવાથી આ પગલું ભર્યાનું તેણે જણાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દિલીપ ત્રિવેદી સાંજે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફિનાઇલ પી લેતાં ફરજ પરના સ્ટાફે તાકીદે ૧૦૮ બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ અંગે ભકિતનગર પોલીસે દિલીપ ત્રિવેદીની ફરિયાદ પરથી મનહર પ્લોટ શુભમ્ પેલેસ ચોથા માળે રહેતાં કૈલાસ છગનભાઇ રાજપુરોહીત, તેના ભાઇ મનહર પ્લોટ-૧૦માં રહેતાં જબ્બર છગનભાઇ રાજપુરોહિત અને નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતાં અશ્વિન કેશવભાઇ શાહ સામે આઇપીસી ૩૮૬, ૫૦૬ (૨) તથા મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

દિલીપ ત્રિવેદી ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો છે. પત્નિનું નામ પ્રિતીબેન છે. પોતે હાલમાં કર્મકાંડનું કામ કરે છે. તેણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૩માં તેણે કોર્પોરેશન ચોકમાં ભાગીદારીમાં હોટેલ ચાલુ કરી હતી. ત્યારે પૈસાની જરૂર પડતાં કૈલાસ પાસેથી ૩ ટકે ૧૨ લાખ, જબ્બર પાસેથી ૯ લાખ અને અશ્વિન શાહ પાસેથી ૩ લાખ લીધા હતાં. આ બધાને નિયમીત વ્યાજ ચુકવ્યું હતું અને હજુ પણ ચુકવે છે. જેટલી રકમ લીધી હતી એટલી ચુકવી દીધી છે. છતાં વધુ ને વધુ વ્યાજ માંગી પોતાને હેરાન કરવામાં આવે છે. હાલમાં વ્યાજ ચુકવવા સક્ષમ ન હોઇ કંટાળી જતાં અને આ તમામ સામે તાત્કાલીક પગલા લેવામાં આવે તે માટે પોલીસ મથકમાં જઇ ફિનાઇલ પી લીધું હતું. ઉઘરાણી માટે તેના ભાઇ ઘનશ્યામભાઇને પણ ધમકીઓ અપાતી હોવાનું દિલીપ ત્રિવેદીએ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(12:05 pm IST)