Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ટ્રાન્ઝાનિયાથી આવેલ મુસાફર મુંબઇ કોરોન્ટાઇન થવાને બદલે રાજકોટની ફલાઇટમાં ચૂપચાપ આવી ગયો : એરપોર્ટ પર કોરોન્ટાઇન

ગઇકાલે વિદેશથી આવ્યા બાદ ભાગી ગયો હતો અને આજે સવારે રાજકોટ પહોંચી ગયો : રાજકોટ - મુંબઇ વચ્ચે ટ્રાફિક વધ્યો : મુંબઇથી ૧૧૦ પેસેન્જર આવ્યા તો રાજકોટથી ૬૦ રવાના થયા : મુંબઇથી આવેલ તમામ હોમ કોરોન્ટાઇન : મેડીકલ ચેકઅપ : હાલ ઓલ વેલ

ટ્રાન્ઝાનીયાનો નાગરિક એરપોર્ટ પર રડી પડ્યો : સત્તાવાળાઓ સાથે હોમ કોરોન્ટાઇન બાબતે માથાકૂટ... : રાજકોટ : મુંબઇથી છટકી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા ટ્રાન્ઝાનીયાના નાગરિક મોહમદ દાનીશ બૂખારીને આજે રાજકોટ-એરપોર્ટ પર ઝડપી લઇ કોરોન્ટાઇન કરી નાંખ્યો હતો, આ ઘટનાની તસ્વીરોમાં પ્રથમ તસ્વીરમાં મુંબઇથી આવેલા મુસાફરોનું સંપૂર્ણ કીટ પહેરી ડોકટરો દ્વારા મેડીકલ ચેકઅપ થતું નજરે પડે છે, બીજી-ત્રીજી તસ્વીરમાં ટ્રાન્ઝાનીયાનો નાગરિક બૂખારી એરપોર્ટ સત્તાવાળાઓ સાથે કોરોન્ટાઇન કરાવા અંગે માથાકૂટ કરતો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં એરપોર્ટ પર બનાવાયેલ. આઇસોલેશન રૂમમાં બુખારીને સીઆઇએસએફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લઇ જવાયો તે, તથા ત્યારબાદ સત્તાવાળાઓ-ડોકટરોની ટીમ દ્વારા ૧૦૮ બોલાવી તેને બેગ-બીસ્તરા સાથે એરપોર્ટ પાસેથી હોટલ પેટ્રીયા ખાતે લઇ જવાયો તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦ : મુંબઇથી રાજકોટ આવતી ફલાઇટમાં એક વિદેશી નાગરિક મુંબઇમાં ૧૪ દિવસ કોરોન્ટાઇન થવાને બદલે રાજકોટની ફલાઇટમાં ચૂપચાપ આવી જતા ધમાલ થઇ ગઇ હતી, મુંબઇથી રાજકોટ ફલાઇટ ઉપડયા બાદ જાણ થતાં જ એરપોર્ટ સત્તાવાળાઓ અને સ્પાઇસ જેટના સત્તાવાળાઓએ તુર્ત જ રાજકોટ એરપોર્ટને જાણ કરતા આ વિદેશી નાગરિક રાજકોટ એરપોર્ટ પર ઉતર્યો કે તુર્ત જ તેને કોરોન્ટાઇન કરી લેવાયો છે.

આ અંગે મળતી વિગતો મુજબ ગઇ ગઇકાલે આફ્રીકાના ટાન્ઝાનિયાથી એક વિદેશી નાગરિક મુંબઇ પહોંચ્યો હતો, તેને કોરોન્ટાઇન ૧૪ દિવસ મુંબઇમાં થવાનું હતુ, પરંતુ સત્તાવાળાઓની નજર ચૂકવી તે એરપોર્ટની બહાર નીકળી ગયો, આ પછી, તે રાજકોટની ફલાઇટની ટીકીટ ચૂપચાપ લઇ આજે સવારે રાજકોટની ફલાઇટમાં બેસી ગયો.

ફલાઇટ મુંબઇથી આવવા રાજકોટ નીકળી - ઉપડી ગઇ ત્યારે મુંબઇ સત્તાવાળાઓને જાણ થતા હડકંપ મચી ગયો હતો, અને તેના પરિણામે તાબડતોબ મુંબઇથી રાજકોટ એરપોર્ટને જાણ કરાતા રાજકોટ એરપોર્ટના સત્તાવાળાઓની નિંદર હરામ થઇ ગઇ હતી.

તાબડતોબ એરપોર્ટના તંત્રે પોલીસ - આરોગ્ય - કલેકટર તંત્રને જાણ કરી હતી, તાબડતોબ ટીમો પહોંચી ગઇ હતી, અને આ ટ્રાન્ઝાનિયાથી આવેલ મુસાફર બૂખારીને કોરોન્ટાઇન કરી તેની પૂછપરછ શરૂ કરાઇ હતી અને મેડીકલ ચેકઅપ કરાયું હતું.

રાજકોટ એરપોર્ટ પર ઘટના બનતા આવેલા અન્ય મુસાફરોમાં પણ ભારે ગભરાટ ફેલાયો હતો, આ બુખારી મુસાફરના પિતા જૂનાગઢ રહે છે, તેનું સાસરૂ જામનગર છે અને તે ભરૂચ કોરોન્ટાઇ થવાનો હતો તેના બદલે રાજકોટ કેમ પહોંચી ગયો તે પ્રશ્ન ઉભો થયો છે.

દરમિયાન એરપોર્ટ પર આરોગ્ય સત્તાવાળાઓએ 'અકિલા'ને જણાવેલ કે, હાલ તેને રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલ હોટો પેટ્રીયામાં ૧૪ દિવસ કોરોન્ટાઇન કરી દેવાશે, એરપોર્ટ પર મેડીકલ ચેકઅપ થયું છે, હવે હોટલ લઇ જવાયા બાદ તેના સેમ્પલ પણ લેવાશે, તેના જૂનાગઢ - જામનગર સગાઓને જાણ કરી દેવાઇ છે.

દરમિયાન રાજકોટ - મુંબઇ વચ્ચે હવાઇ ટ્રાફિક વધ્યાનું જાણવા મળ્યું હતું, આજે મુંબઇથી કુલ ૧૧૫ મુસાફરો આવ્યા તો ૬૦ મુંબઇ જવા રવાના થયા હતા, આવેલ તમામ મુસાફરોનું મેડીકલ ચેકઅપ કરાયું હતું, કોઇ વાંધાજનક બાબત જણાઇ ન હતી.

(11:37 am IST)