Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

સંસ્કૃતિના ધારકોનું સન્માન સમાજનો ધર્મ છે : સ્વામી અધ્યાત્માનંદજી

આ જીવન શિક્ષક સ્વ. વિજયભાઇ સન્માન સમારોહ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ દ્વારા સતત ત્રીજા વર્ષે પાંચ મુક સેવકોનું અદકેરૂ સન્માન થયું

રાજકોટ તા ૩૧ : દિવ્ય જીવન સંઘ અને શિવાનંદ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રીઅધ્યાત્માનંદજીએ રાજકોટમાં શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે યોજાયેલ એક વિશિષ્ટ સેવા સન્માનના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે : શિક્ષણ સંસ્થા દ્વારા સમાજ સાથે પોતાનો નાતો ગાઢ રીતે જાળવી રાખવાની એક ઉમદા પરંપરા આજે અહીં જોવા મળી છે. આપણા શાસ્ત્રોમાં વિવિધ વિદ્યાઓમાં વરિષ્ઠ પ્રદાન કરનારને સન્માનવાનો મહીમા છે, અને આવુ સન્માન શિક્ષણ સંસ્થા દ્વારા થઇ રહયું છે તે બહુજ રાજીપાનો વિષય છે. આપણી સંસ્કૃતિના ધારકોનું સન્માન એ સમાજનો ધર્મ છે, અને હું આજે અહીં દિવ્ય અને ભવ્ય ધર્મ કાર્ય કરવા આવ્યો હોઉ એવું મને લાગે છે.શિક્ષણ,સંગીત,નાટય,ઉદ્યોગ, સાહિત્યના ક્ષેત્રોમાં મોૈન પ્રદાન કરી રહેલા સેવકોને આજીવન શિક્ષક શ્રી વિજયભાઇ ધોળકિયાની સ્મૃતિમાં વધાવવામાં આવ્યા છે તેનો આનંદ વ્યકત કરૂ છુ. મને એવું સમજાયું છે કે જયારે કોઇપણ માનવ પોતાનામાંથી અહમને દુર કરે છે તયારે જ તે કશુંક સર્જન કે નક્કર પ્રદાન કરી શકે છે. એ અર્થમાં આજે અહમ શૂન્યતાને વરેલા પાંચ તારકોનું સન્માન થયું તે રાજકોટ નગર માટે ગોૈરવનો વિષય છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહયા અને તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી સૌરાષ્ટ્ર હાઇસ્કુલને અને સન્માનીત સૌને અભિનંદન પાઠવ્યા હતા.

૧૧૯ વષ ર્જુની શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ દ્વારા તેના પાયાના પથ્થર અને સ્વપ્નશીલ્પી શ્રી વિજયભાઇ ધોળકીયાની સ્મૃતિને અંજલી આપવા સતત ત્રીજા વર્ષે વિદ્યાંજલી સમારોહનું આયોજન કરવામાં આવેલ. આ શાળાના પાયાના પથ્થર સ્વ. વિજયભાઇ ધોળકિયાની વિદાયને ૩૦ વર્ષ પુરા થયા છે. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રે ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન), સાહિત્યક્ષેત્રે જાણીતા કવિશ્રીસંજુ વાળા, સંગીતક્ષેત્રના ભીષ્મપીતામહ હરીકાંતભાઇ સેવક, નાટયક્ષેત્રે મુઠીઉંચેરુ નામ કોૈશિકભાઇ સિંધવ અને ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટને ગોૈરવ અપાવનાર ઉદ્યોગ ઋષિ જગજીવનભાઇ સખીયાનું અદકેરૂ સન્માન સુતરમાલા, શીલ્ડ, તથા શાલ અર્પણ કરીને કરવામાં આવ્યું. શ્રી જગજીવનભાઇ સખીયા સૌરાષ્ટ્ર હાઇસ્કુલના  ૧૯૬૪ ના વિદ્યાર્થી છે અને તેમના આ સન્માન પ્રસંગે અમદાવાદ-જામનગરથી તેમના સાથી વિદ્યાર્થીઓ ખાસ  ઉપસ્થિત રહયા  હતા અને  કુટુંબીજનો તથા મિત્રોએ તેઓના સન્માન સમયે મંચ પર હાજર રહી પોતાનો ઉમળકો વ્યકત કર્યો હતો. ડો. અલ્પનાબેન ત્રિવેદી અનેક શિક્ષણ સંસ્થાઓના સંવાહક છે, એટલે તેમના પ્રાચાર્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહી ડો.અલ્પનાબેનના સન્માનમાં જોડાયા હતા. પોતાના ફળીયે નાટય વર્ગો ચલાવતા શ્રી કોૈશિક સિંધવના નાટયકર્મી શિષ્યો દ્વારા કોૈશિકભાઇનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શ્રી હરીકાંતભાઇ સેવક વતી તેઓના  શાસ્ત્રીય સંગીત શિષ્ય દિલીપભાઇ આહયાએ સન્માનનો સ્વીકાર કર્યો હતો.

સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટના પ્રમુખ ડો. ઇલાબેન વછરાજાનીએ સૌનુંસ્વાગત કર્યુ હતું. અને મેનેજીંગ ટ્રસ્ટી ડો. નિદત્ત બારોટે કાર્યક્રમની ભૂમિકા આપી મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાના પૂર્વ પ્રભાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. ડોલરરાય માંકડ જે શાળામાં ભણ્યા છે, તે સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં આજે આ વિશેષ સમારંભ યોજાયો છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.  સન્માનીતો વતી સુખ્યાતકવિ શ્રી સંજુ વાળાએ પોતાનો પ્રતિભાવ વ્યકત કર્યો હતો. તેઓએ આ પંચ સન્માન દ્વારા સંસ્થાએ અને રાજકોટ નગરે કલાને પોંખવાનો જે ઉપક્રમ રચ્યો છે, તેને બિરદાવ્યો હતો અને સંસ્થાના પ્રયાસને અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. હરદેવસિંહ જાડેજાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે વરિષ્ઠ ટ્રસ્ટ્રીઓ જયંતભાઇ દેસાઇ અને ઇન્દુભાઇ વોરા પણ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે રાજકોટના ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ નગરજનો, અને સૌરાષ્ટ્ર હાઇસ્કુલના શિક્ષકો તથા ભુતપૂર્વ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન શિક્ષિકા ડો. ભાવનાબેન મહેતાએ કર્યુ હતું સમારંભના અંતમાં ઉપસ્થિત સૌ ભોજનને માન આપીને છુટા પડયા હતા (પ્રથમ તસ્વીરમાં કાર્યક્રમની ઝલક)

(3:30 pm IST)