Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ખંઢેરી સ્‍ટેડીયમ પહેલા બાકી વેરો ભરે, પછી અપીલ સમિતિમાં નિર્ણય

૭પ લાખ ભર્યા, ૧.પ કરોડ બાકી : અપીલ સમિતિએ રાહત-માફીનો નિર્ણય બાકી રાખ્‍યો

રાજકોટ, તા. ૩૧: સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એશો. સંચાલિત ખંઢેરી સ્‍ટેડીયમ (જામનગર રોડ)નો વેરો કોમર્શીયલ ધોરણે વસુલવાના નિર્ણય સામેની અપીલ બાબતે આજે જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં ચર્ચા થયેલ. સ્‍ટેડીયમ સંચાલકો બાકી રકમ પહેલા ભરે પછી જ અપીલ સમિતિએ નિર્ણય કરવો તેવું ઠરાવાયું હતું. ગ્રામ પંચાયતે સ્‍ટેડીયમએ કોઇ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવાનું સ્‍થળ ન હોવાનું તારણ કાઢી તેને કોમર્શીયલ ટેક્ષ પાત્ર ગણેલ તે મુજબ ટેક્ષની આકારણી કરી હતી. ગ્રામ પંચાયતના નિર્ણય સામે સ્‍ટેડીયમ સંચાલકોએ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં અપીલ કરી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષ વિરાણીએ જણાવેલ કે અપીલ સમિતિમાં આ મુદ્દાની ચર્ચા થયેલ. પંચાયત ધારાની જોગવાઇ મુજબ સ્‍ટેડીયમ સંચાલકોએ અપીલમાં આવતા પૂર્વે ગ્રામ પંચાયતે આકારેલી રકમ ભરવી જરૂરી છે. સ્‍ટેડીયમ સંચાલકોએ રૂા. ૭પ લાખ ભર્યા છે. ૧.પ કરોડ જેટલી રકમ ભરવાની બાકી થાય છે તેટલી રકમ જમા કરાવવા માટે ૬ મહિનાનો સમય અપાયો છે તે રકમ જમા કયાં પછી ટેક્ષ માફી અથવા રાહતની માંગણી અંગે અપીલ સમિતિ નિર્ણય કરશે.

(4:14 pm IST)