Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

આહિર યુવાન હાર્દિક મકવાણાની હત્યામાં છએય આરોપી ઝડપાયા

પાંચ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજઃ ગોવિંદ અમદાવાદમાં પકડાયા બાદ બીજા પણ પકડાયા :ગોવિંદે કહ્યું-હાર્દિક મિત્ર જ હતો, પૈસાની લેતીદેતી જ હત્યા પાછળ કારણભુત

રાજકોટ તા. ૩૦: સોમનાથ સોસાયટી-૩ શેરી નં. ૧/૯ના ખુણે 'રવેચી કૃપા' ખાતે રહેતાં હાર્દિક વિભાભાઇ મકવાણા (ઉ.૨૫) નામના આહિર યુવાનને મંગળવારે રાત્રીના ઘરેથી વોકીંગ કરવા નીકળ્યો ત્યારે ઘર નજીક માધવ રેસિડેન્સી પાસે ગોવિંદ ભરવાડ સહિતના શખ્સોએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ભાગી ગયેલા આરોપીઓ પૈકીના ગોવિંદ ઘુઘાભાઇ ગાણોલીયા (ભરવાડ) (ઉ.૨૭) અમદાવાદ તરફ હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે પગેરૂ દબાવ્યું હતું અને માહિતી આપતાં સોલા પોલીસે દબોચી લીધો હતો. બાકીના પાંચને પણ આજુબાજુના ગામડાઓમાંથી પકડી લેવાયા છે. ક્રાઇમ બ્રાંચની ટીમે આ તમામને પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્યા છે. સુત્રધાર ગોવિંદે પ્રાથમિક પુછતાછમાં એવું કહ્યું છે કે હાર્દિક મારો મિત્ર જ હતો, અમારે બંનેને એક બીજા પાસેથી પૈસા લેવાના થતાં હતાં. એ મનદુઃખમાં વાત હત્યા સુધી પહોંચી હતી!

પોલીસે ગોવિંદ ભરવાડનો સોલા પોલીસ પાસેથી કબ્જો લઇ ધરપકડ કરી છે. અન્ય આરોપીઓ ગોવિંદના પિતા ઘુઘાભાઇ વિભાભાઇ ગાણોલીયા (ઉ.૫૫), ભાઇ ટીટીયો ઘુઘાભાઇ ગાણોલીયા (ઉ.૨૪), કાકા છેલાભાઇ વિભાભાઇ ગાણોલીયા (ઉ.૪૭) તથા ગોવિંદના બે ભત્રીજા રહુલ છેલાભાઇ (ઉ.૨૦) અને અર્જુન છેલાભાઇ (ઉ.૧૮)ને પણ પકડી લીધા છે.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં હત્યાનો ભોગ બનનાર હાર્દિક મકવાણાને ગોવિંદ સાથે પૈસાની લેતીદેતી બાબતે વાંધો પડતાં હત્યા થયાનું ફરિયાદમાં હાર્દિકના પિતા વિભાભાઇએ જણાવ્યું હતું. ઝડપાયેલા ગોવિંદ ભરવાડે પણ પુછતાછમાં પૈસાની લેતીદેતીનો મામલો જ હોવાનું કહ્યું છે. જો કે કારણ બીજુ કંઇ તો નથી ને? તે જાણવા તથા વિશેષ પુછતાછ કરવાની બાકી હોઇ છએયને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવી છે.

યુનિવર્સિટીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ કડછા, પી.એસ.આઇ. ગોહિલ, રાઇટરો શૈલેષપરી ગોસાઇ, બળભદ્રસિંહ, ગિરીરાજસિંહ જાડેજા, ડી. સ્ટાફના હરેશભાઇ, અમીનભાઇ, લક્ષમણભાઇ, રવિરાજસિંહ સહિતનો સ્ટાફ વધુ તપાસ  કરે છે.

(4:08 pm IST)