Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાંથી મોબાઇલ ચોર ઝડપાયોઃ લોકોએ બેફામ ઢીબી નાંખ્યો

સિકયુરીટીએ પોલીસ હવાલે કર્યોઃ ગઇકાલે પણ એક મોબાઇલ ચોર પકડાતાં પોલીસને સોંપાયો હતો

રાજકોટ તા. ૩૧: સિવિલ હોસ્પિટલની ઓપીડીમાંથી આજે એક મોબાઇલ ચોર ઝડપાઇ જતાં લોકોએ ધોલધપાટ કરી સિકયુરીટીને સોંપતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તબિબને બતાવવા માટે કતારમાં ઉભેલા એક પ્રોૈઢના ખિસ્સામાંથી મોબાઇલ ગાયબ થઇ જતાં દેકારો મચી ગયો હતો. દરમિયાન મોબાઇલ ચોર પાછળ જ ઉભો હોઇ દબોચાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ લક્ષ્મીવાડીમાં રહેતાં એક પ્રોૈઢ દવા લેવા માટે પોતાના પુત્રને સાથે લઇને સિવિલ હોસ્પિટલે આવ્યા હતાં. અહિ તે વારો આવે એ માટે ઓપીડીમાં લાઇનમાં ઉભા હતાં. એ વખતે ગિર્દીમાં તેનો મોબાઇલ ફોન ગાયબ થઇ ગયો હતો. પુત્ર સાથે મળી શોધખોળ કરતાં લાઇનમાં જ ઉભેલા એક શખ્સે પગ વચ્ચે દબાવેલી થેલીમાં મોબાઇલના ચાર્જરનો છેડો દેખાઇ જતાં તેને દબોચી લીધો હતો. ચોર-ચોરની બૂમો પડતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને આ શખ્સની ધોલધપાટ કરી હતી.

સિકયુરીટી ઇન્ચાર્જ એ.ડી. જાડેજાને જાણ થતાં તેણે પોલીસને બોલાવી આ શખ્સને સોંપી દીધો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ ચતુર (રહે. થોરાળા) કહ્યું હતું. પોલીસે તેની વિશેષ પુછતાછ આદરી હતી. વધુ માહિતી મુજબ ગઇકાલે પણ ઓપીડીમાંથી ભગવતીપરાના એક વ્યકિતનો ફોન ચોરાઇ ગયો હતો. એ ફોન ચોરનારને પણ સિકયુરીટીએ શોધી કાઢ્યો હતો.

(4:07 pm IST)