Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પાણીચોરી ચેકીંગ... બે મહિનામાં ૪૨ ભુતિયા-૧૨૫ ઇલે.મોટર જપ્તઃ ૫ લાખનો દંડ

રાજકોટ તા.૩૧: મ્યુ. કોર્પોરેશન દ્વારા પાણીચોરી ઝડપી લેવા તથા પાણી બચાવવા માટે ઝુંબેશાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત છેલ્લા બે મહિનામાં કુલ ૪૨ ભુતિયા નળ ઝડપી લેવાયા હતા તથા ડાયરેકટ પમ્પીંગના ૧૨૫ કીસ્સા ઝડપી લઇ અને ૧૨૫ ઇલેકટ્રીક મોટરો જપ્ત કરી કુલ રૂ. ૫ લાખનાં દંડની વસુલાત કરી હતી.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ સત્તાવાર જાહેર કરેલ વિગતો મુજબ ૧ એપ્રિલથી આજ સુધીમાં એટલેકે ૩૧ મે સુધીમાં છેલ્લા બે મહિનામાં પાણીનો બગાડ અટકાવવા તથા પાણી ચોરી ઝડપી લેવા જે ઝુંબેશાત્મક કાર્યવાહી હાથ ધરાઇ હતી. તેમાં ૧૨ જેટલા લીકેજ થયેલા વાલ્વનું રીપેરીંગ કરાયું ઉપરાંત ૪૨ જેટલા ભુતિયા નળ ઝડપી લઇ તેને કાપી નખાયા હતા.

આ ઉપરાંત નળ કનેકશન સાથે ડાયરેકટ ઇલેકટ્રીક મોટર જોડીને પાણીચોરી કરતા ૧૨૫ મકાન ધાણીઓને રંગે હાથ ઝડપી લઇ તેઓની ૧૨૫ ઇલેકટ્રીક મોટર જપ્ત કરી હતી.

ઉપરાંત તમામ પાણીચોર કરનારને રૂ. ૨૦૦૦ લેખે દંડ ફટકારીને કુલ રૂ. ૪,૫૦ લાખનો દંડ વસુલ કર્યો હતો. તથા પાણીનો બગાડ કરનારાઓને ઝડપી લઇને પ્રત્યેક પાસેથી રૂ. ૨૫૦ લેખે કુલ ૫૦,૦૦૦ નો દંડ વસુલ્યો હતો.

(4:01 pm IST)