Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

૫ હજારના દરની એન્ટીક ચલણી નોટ ૨૨ લાખમાં વેંચી આપવાના બહાને ત્રણ શખ્સો ચાંઉ કરી ગયા!

વૃધ્ધને સાધુ વાસવાણી રોડની નક્ષત્ર બિલ્ડીંગ પાસે ઉભા રાખી 'હમણા આવીએ' કહીને ત્રણેય જણા ગયા તે ગયા... : યુનિવર્સિટી પોલીસે છેતરાયેલા ભવાનગીરીની ફરિયાદ પરથી તેના જ મિત્ર લક્ષ્મીવાડીના અતુલ ધોળકીયા અને જુનાગઢના રાજેન્દ્ર ધોળકીયાને દબોચ્યાઃ લાલસિંહ ચોૈધરીની શોધઃ નોટ લાલસિંહ લઇ ગયાનું પકડાયેલા શખ્સનું રટણ

રાજકોટ તા. ૩૧: મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં મુળ કચ્છ પંથકના બાવાજી વૃધ્ધ પાસે ૧૯૬૫ની સાલની રૂ. ૫ હજારના દરની એન્ટીક ચલણી નોટ હોઇ તેના બદલામાં રૂ. ૨૨ લાખ આપવાની લાલચ આપી તેના મિત્ર સહિત ત્રણ શખ્સોએ નોટ મેળવી લઇ રોકડ ન આપી અને એન્ટીક નોટ પણ પાછી ન આપી ઠગાઇ કરતાં યુનિવર્સિટી પોલીસે વૃધ્ધના મિત્ર સહિત બે શખ્સને સકંજામાં લઇ ત્રીજાની શોધખોળ હાથ ધરી છે. જો કે એન્ટિક ચલણી નોટ હજુ કબ્જે થઇ નથી.

બનાવ અંગે પોલીસે મોબી રોડ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં મુળ કચ્છના અબડાસાના મોટી ધુફી ગામના વતની ભવાનગીરી હેમગીરી ગોસ્વામી (ઉ.૬૦) નામના બાવાજી વૃધ્ધની ફરિયાદ પરથી અતુલ છોટાલાલ ધોળકીયા (ઉ.૬૪-રહે. લક્ષ્મીવાડી-૨/૧૬), રાજેન્દ્ર મનસુખલાલ ધોળકીયા (ઉ.૫૧-રહે. જગમાલ ચોક, જુનાગઢ) તથા લાલસિંહ ચોૈધરી સામે આઇપીસી ૪૨૦, ૧૧૪ ઠગાઇનો ગુનો નોંધી અતુલ અને રાજેન્દ્રને સકંજામાં લીધા છે.

ભવાનગીરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે હું હાલ રાજકોટ રહુ છું અને શાપર વેરાવળમાં ગુજરાત શો મીલ નામે લાકડાની  લાતીમાં મજુરી કરી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. નાના દિકરા મનોજનું અવસાન થયું છે. હું મારી દિકરી રીટાબેન સાથે રહુ છું. મારી પાસે મારા પિતાની જ હેમગીરી વેલગીરીએ આપેલી ભારતીય ચલણની ૧૯૬૫ની સાલની રૂ. ૫૦૦૦ના દરની એક નોટ (નં. ૦૦૩૭૩૫) હતી. પિતાજીના અવસાન બાદ આ એન્ટીક નોટ હું સાચવતો હતો. તેની બજાર કિંમત ખુબ મોટી ગણાય છે. મારી બેઠક રેસકોર્ષ રીંગ રોડ પર કનકાઇ હોટેલ સામે હોઇ હું અવાર-નવાર ત્યાં બેઠો હોઉ છું. અહિ મારી ઓળખાણ લક્ષ્મીવાડીના અતુલ ધોળકીયા સાથે થઇ હતી. તે પણ અહિ કાયમ બેસવા આવે છે. જેથી તેની સાથે મિત્રતા થઇ ગઇ હતી. ગત ૧૪/૧૦/૧૭ના રોજ સાંજે છએક વાગ્યે મને મિત અતુલભાઇએ મને ફોન કરી જણાવેલ કે તમારી પાસે પાંચ હજારની ચલણી નોટ છે તે ૧૯૪૮ના મોરારજી દેસાઇની સમયની છે અને તે એન્ટીક ગણાય. મારી પાસે ખરીદનાર પાર્ટી આવી છે. જો તમારે વેંચવી હોય તો નોટ લઇને સાધુ વાસવાણી રોડ નક્ષત્ર-૫ બિલ્ડીંગ પાસે આવો.

આ વાત થયા બાદ મારે હાલ પૈસાની જરૂર હોવાથી હું નોટ લઇને અતુલભાઇએ  જણાવેલી જગ્યાએ પહોંચ્યો હતો. ત્યાં તેની સાથે બીજા એક ભાઇ પણ હતાં. તેણે પોતાનું નામ રાજેન્દ્ર ધોળકીયા જણાવ્યું હતું. ત્રીજા એક ભાઇએ પોતે લાલસિંહ ચોૈધરી હોવાનું કહ્યું હતું. આ નોટ લાલસિંહને જ ખરીદવાની છે તેવી વાત અતુલભાઇએ કરી હતી. તેણે નોટ જોયા બાદ પોતે આની કિંમત રૂ. ૨૨ લાખ આપશે તેમ કહ્યું હતું. આથી મેં નોટ અતુલ ધોળકીયાને આપી હતી. એ પછી ત્રણેય જણા નોટ લઇને બિલ્ડીંગના ત્રીજા માળે ગયા હતાં. હું નીચે એકાદ કલાક સુધી રાહ જોઇને ઉભો હતો. પરંતુ ત્રણમાંથી કોઇ નીચે ન આવતાં મેં ઉપર જઇને તપાસ કરતાં ત્યાં પણ મળ્યા નહોતાં. આથી મારી સાથે છેતરપીંડી થઇ ગયાની ખબર પડી હતી. શોધખોળ કરવા છતાં ત્રણેય ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી.

પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડાંગર અને રાઇટર મેહુલસિંહે ગુનો નોંધી હાલ તુર્ત અતુલ ધોળકીયા અને રાજેન્દ્ર ધોળકીયાને સકંજામાં લીધા છે. જો કે આ બંને ચલણી નોટ પોતાની પાસે નહિ હોવાનું અને લાલસિંહ લઇ ગયાનું રટણ કરતાં હોઇ બંનેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

ફાયરીંગમાં ઘાયલ પુત્રની સારવારમાં ૩૫ લાખનો ખર્ચ થઇ જતાં એન્ટીક નોટ વેંચવા કાઢી'તીઃ ભવાનગીરી

. ફરિયાદી ભવાનીગીરીએ કહ્યું હતું કે તેના નાના પુત્ર મનોજ ગોસ્વામીને વોકહાર્ટ હોસ્પિટલ પાસે જુની અદાવતને કારણે પટેલ શખ્સ દ્વારા થયેલા હુમલા-ફાયરીંગમાં ગંભીર ઇજા થઇ હતી. જો કે લાંબી સારવાર બાદ પણ તેનો જીવ બચી શકયો નહોતો. ભવાનગીરીના કહેવા મુજબ આ દિકરાની સારવારમાં ૩૫ લાખ જેવો ખર્ચ થયો હતો. મારું મકાન પણ વેંચાઇ ગયુ હતું. ભાઇઓ પાસેથી પણ ઉછીની રકમ લીધી હતી. આ બધાને રકમ ચુકવવા મેં એન્ટીક નોટ વેંચવા કાઢી હતી. પણ આ નોટ છેતરપીંડીથી મિત્ર જ ઓળવી ગયો હતો.

(11:43 am IST)